રાજકીય તણાવની ક્રિકેટ પર અસર: ભારત-બાંગ્લાદેશ શ્રેણી પર અનિશ્ચિતતાના કાળા વાદળો, BCB ને મોટો ફટકો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતા સપ્ટેમ્બર મહિનામાં યોજાનારી વ્હાઇટ-બોલ (ODI અને T20) ક્રિકેટ શ્રેણી પર રદ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે તાજેતરમાં ઊભા થયેલા રાજકીય તણાવ અને કડવાશને કારણે આ દ્વિપક્ષીય શ્રેણી હવે અનિશ્ચિતતાના આરે આવીને ઊભી રહી ગઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ભારતીય ક્રિકેટ ટીમની યજમાની કરવા માટે આતુર હતું, પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં આ શ્રેણી યોજાય તેવી સંભાવનાઓ નહિવત બરાબર દેખાઈ રહી છે.
રાજકીય ઉથલપાથલ અને સંબંધોમાં ખટાશ
આ સમગ્ર વિવાદનું મુખ્ય કારણ બંને દેશો વચ્ચેનો તાજેતરનો રાજકીય ઘર્ષણ છે. બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ૫ ઓગસ્ટે દિલ્હીથી એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. હસીનાને ભારતીય ધરતી પરથી આવી પરિષદ યોજવાની મંજૂરી મળતા જ બાંગ્લાદેશની વર્તમાન સરકાર નારાજ થઈ ગઈ હતી.

આ ઘટનાક્રમ બાદ ૮ ઓગસ્ટે બાંગ્લાદેશના ગૃહમંત્રી સલાહુદ્દીન અહેમદે ભારતની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો ભારત શેખ હસીનાને દિલ્હીથી એવા નિવેદનો આપવાની છૂટ આપે છે જે બાંગ્લાદેશની લોકશાહી અને સ્થિરતાને નબળી પાડે છે, તો ભારત બાંગ્લાદેશ સાથે મૈત્રીપૂર્ણ સંબંધોની અપેક્ષા રાખી શકે નહીં. આ નિવેદનો બાદ બંને પડોશી દેશો વચ્ચેના રાજકીય સંબંધો વધુ વણસ્યા છે.
BCB ની આશાઓ પર પાણી ફરી વળ્યું
ક્રિકબઝના અહેવાલ મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના સૂત્રોનું માનવું છે કે શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સ અને ત્યારબાદના રાજકીય નિવેદનોથી ભારતને પોતાના દેશમાં રમાડવાની તેમની આશાઓને ભારે ધક્કો પહોંચ્યો છે. BCB ના અધિકારીઓ આ શ્રેણીને માત્ર રમત જ નહીં, પરંતુ ક્રિકેટના ડિપ્લોમસી માધ્યમથી બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોમાં સુધારો લાવવાના એક સુવર્ણ અવસર તરીકે જોઈ રહ્યા હતા.
અગાઉ પણ આ વર્ષની શરૂઆતમાં બાંગ્લાદેશે સુરક્ષા કારણોસર આઈસીસી ટી20 વર્લ્ડ કપમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ અંદરના સૂત્રોના જણાવ્યા મુજબ તે નિર્ણય રાજકીય દબાણ હેઠળ લેવાયો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીની સામાન્ય ચૂંટણીઓ પછી અને તમિમ ઇકબાલના BCB ના વડા બન્યા બાદ ભારત-બાંગ્લાદેશ ક્રિકેટ સંબંધો સુધરવાની આશા જાગી હતી. તમિમ ઇકબાલ પોતે ભારતીય ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ કરે તે માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા.

ભારતીય ટીમના પ્રવાસનું આર્થિક મહત્વ
વિશ્વ ક્રિકેટમાં ભારતીય ક્રિકેટ ટીમનું આયોજન કરવું એ કોઈપણ દેશના ક્રિકેટ બોર્ડ માટે જેકપોટ સમાન ગણાય છે. ભારતની વૈશ્વિક લોકપ્રિયતા, મજબૂત બ્રાન્ડ વેલ્યુ અને મોટી સંખ્યામાં આવતા સ્પોન્સર્સને કારણે યજમાન બોર્ડને કરોડો રૂપિયાની આવક થાય છે. BCB માટે પણ આ શ્રેણી આર્થિક અને વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હતી. પરંતુ હાલના તણાવપૂર્ણ વાતાવરણમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ભારત સરકાર પોતાની ટીમને બાંગ્લાદેશ મોકલવા તૈયાર થાય તેવી શક્યતા નહિવત છે.