સ્વાસ્થ્ય સેવા શ્રેત્રની પ્રમુખ કંપની એબોટ (Abbott)એ સોમવારે કહ્યું કે તેણે ભારતમાં વયસ્કો અને બાળકોમાં લક્ષણવાળા અથવા લક્ષણ વિનાના સાર્સ-સીઓવી 2 વાયરસને ઓળખી કાઢવા માટે કોવિડ-19ની હોમ ટેસ્ટિંગ કિટ (Covid-19 Home-Testing Kit) લોન્ચ કરી છે. જેની કિંમત 325 રૂપિયા છે.એબોટે એક નિવેદનમાં જણાવ્યું છે કે કંપની લાખોની સંખ્યામાં પેનબિઓ કોવિડ -19 રેપિડ એન્ટિજેન ટેસ્ટ કીટ પ્રદાન કરશે, જે વ્યક્તિગત ઉપયોગ માટે ઉપલબ્ધ છે. કંપનીએ કહ્યું કે આનાથી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય પ્રણાલીઓ પરનો ભાર ઓછો કરવામાં મદદ મળશે. એબોટે કહ્યું કે, આ કીટની મદદથી કોવિડ -19 વાયરસનું ઘરે સરળતાથી ટેસ્ટિંગ કરી શકાય છે. આ ટેસ્ટિંગ કીટ અંગે ICMRના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ નિર્મલ કુમાર ગાંગુલીએ કહ્યું હતું કે આનાથી હોમ આઇસોલેશનને વેગ મળશે અને વાયરસનો ફેલાવો યોગ્ય સમયે રોકી શકાશે.કંપનીના એશિયા પેસિફિકના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ જોહરે કહ્યું કે રેપિડ એન્ટિજેન ટેસ્ટિંગથી કોરોના સામેની જંગમાં મદદ મળશે. કંપનીએ કહ્યું કે જુલાઇના અંત સુધીમાં તે પ્રથમ તબક્કા હેઠળ 7 મિલિયન એટલે કે 70 લાખ ટેસ્ટ કીટ જારી કરશે. કંપની જરૂરિયાત અને માંગમાં વધારો થતાં લાખો ટેસ્ટ કીટનું ઉત્પાદન કરવામાં સક્ષમ છે.તાજેતરમાં, ફ્રેન્ચ કંપની પેથસ્ટોરે (PathStore) ભારતમાં કોવિડ -19 આરટી-પીસીઆર ટેસ્ટિંગ 299 રૂપિયામાં શરૂ કર્યું હતું. પેથસ્ટોરે એક નિવેદનમાં કહ્યું હતું કે કંપનીની ખૂબ જ સસ્તી આરટી-પીસીઆર ટેસ્ટિંગથી પર્યટન, ઉદ્યોગ અને છૂટક ક્ષેત્રમાં કામગીરી કરવામાં મદદ કરશે. આગામી એકથી ત્રણ મહિના દરમિયાન પેથસ્ટોર તમામ મોટા કોવિડ -19 પ્રભાવિત રાજ્યોમાં વિસ્તાર કરશે. કંપની આરટી-પીસીઆર સેમ્પલ એકત્રિત કરવા માટે 2,000 થી વધુ તબીબી પ્રતિનિધિઓ તૈનાત કરશે. કંપનીએ ગુરુગ્રામમાં એક મોટી આરટી-પીસીઆર અને બાયોસેફ્ટી લેવલ -3 ટેસ્ટિંગ લેબની સ્થાપના કરી છે. અહીં એક દિવસમાં એક લાખ સેમ્પલનું ટેસ્ટિંગ કરી શકાય છે.
