છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસ નામની મહામારીએ સમગ્ર દુનિયામાં હાહકાર મચાવી રાખ્યો છે. મહામારીથી તણામ કે ટેન્શનમાં આવી લોકો ડ્રગ્સ અને માદક પદાર્થોના સેવનના રવાડે ચડ્યા છે અને તેના લીધે મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે.
અમેરિકાની સરકારે બુધવારે જણાવ્યુ કે, પાછલા વર્ષે કોરોના મહામારી દરમિયાન દેશમાં માદક પદાર્થોના વધારે પડતા સેવનથી રેકોર્ડ 93,000 લોકોના મોત થયા છે. આંકડાઓ મુજબ મૃત્યુની આ સંખ્યા તેની અગાઉના વર્ષે ડ્રગ્સના ઓવરડોઝથી થયેલી 72,000 લોકોની મોત કરતા ઘણો મોટો આંકડો છે.
ડ્રગ્સના ઓવરડોઝના કેસો પર ઝીણવટભરી નજર રાખનાર બ્રાઉન યુનિવર્સિટીના જન આરોગ્ય સંશોધનકર્તા બ્રાન્ડ માર્શલે કહ્યુ કે, આ જાનહાનીનો મોટો કિસ્સો છે. દેશ ડ્રગ્સ ઓવરડોઝથી થનાર મોતની ઘટનાઓનો પહેલા થી જ સામનો કરી રહ્યો હતો પરંતુ કોરોના મહામારીએ આ સંકટને વધારે વિકટ બનાવી દીધો છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે લોકડાઉન અને મહામારી સંબંધિત પ્રતિબંધો એ લોકોને નશાના રવાડે ચઢાવી દીધા છે અને હવે તેમની સારવાર કરવી મુશ્કેલ બની ગઇ છે.
પાછલા વર્ષે માદક પદાર્થના વધારે પડતા સેવનથી જોર્ડન મેકગ્લાશેનની મિશિગન સ્થિત તેના એપાર્ટમેન્ટમાં જ મોત થઇ ગઇ હતી. જોર્ડનને તેના 39માં જન્મદિવસના માત્ર એક દિવસ પહેલા જ મૃત જાહેર કર્યો હતો. તેની મોત હેરોઇન અને ફેટાનિલ માદક પદાર્થના ઓવરડોઝથી થઇ હતી. એક સમય હતો જ્યારે અમેરિકામાં માદક પદાર્થોનાં વધારે પડતા સેવન કરતા સૌથી વધારે મોત પેઇન કિલર દવાથી થતી હતી, જો કે હવે ધીરે ધીરે તેનું સ્થાન હેરોઇન અને ત્યારબાદ ફેટાલિને લઇ લીધી છે.