કોરોના મહામારીની બીજી લહેરમાં પણ મોટી સંખ્યામાં લોકોએ રોજગારી- નોકરી ગુમાવી છે. જો કે આ વખતે મહિલાઓ કરતા પુરુષોએ મોટી સંખ્યામાં રોજગારી ગુમાવી છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમિ (સીએઆઇઇ)ના મતે કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન શહેરી વિસ્તારમાં મહિલાઓની તુલનાએ મોટી સંખ્યામાં પુરુષોએ નોકરી ગુમાવી છે.
સીએમઆઇઇના સીઇઓ અને એમડી મહેશ વ્યાસે તેમના વિશ્લેષ્ણમાં જણાવ્યુ કે, કોરોના-19ની પહેલી લહેરના કારણે નોકરીઓના મામલે સૌથી વધારે નુકસાન શહેરી વિસ્તારની મહિલાઓને થયુ હતુ. તેમણે કહ્યુ કે, શહેરી મહિલાઓ કુલ રોજગારમાં લગભગ ત્રણ હિસ્સેદાર છે, પરંતુ મહામારીની પહેલી લહેરમાં કુલ રોજગારીના 39 ટકા નુકસાન મહિલાઓને થયુ હતુ. તેમણે ઉમેર્યુ કે, 63 લાખ લોકોએ નોકરી ગુમાવી છે, જેમાં શહેરી વિસ્તારની 24 લાખ મહિલાઓ બેરોજગાર બની છે.
અલબત્ત બીજી લહેર દરમિયાન શહેરી વિસ્તારની મહિલાઓની નોકરીને સૌથી ઓછુ નુકસાન થયુ છે. એપ્રિલ-જૂન 2021 દરમિયાન નોકરીમાંથી છુટા કરાયેલા લોકોમાં પુરુષોનું પ્રમાણ વધારે છે, જેમાં શહેરી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પુરુષ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. તેમણે કહ્યુ કે, શહેરી વિસ્તારના પુરુષો કુલ રોજગારમાં લગભગ 38 ટકા હિસ્સેદારી ધરાવે છે. માર્ચ 2021 સુધી તેમની નોકરીનું નુકસાન 26 ટકા હતુ. પરંતુ જૂન 2021મા સમાપ્ત ત્રિમાસિકગાળામાં કુલ નોકરીઓના નુકસાનમાં તેની હિસ્સેદારી 30 ટકા કરતા વધારે વધી ગઇ હતી. તેમણે જણાવ્યુ કે, જે લોકોને તેમની નોકરી ફરી મળી ગઇ છે અથવા તેમ વૈકલ્પિક નોકરી મળી છે, તેમને અગાઉ કરતા ઓછો પગાર મળ્યો છે અને આમ છેવટે ઘરની આવકમાં પણ ઘટાડો આવ્યો છે.