આજે સોમવારથી સસંદમાં ચોમાસુ સત્રની શરૂઆત થવાની છે.આ ચોમાસુ સત્ર દરમિયાન મોદી સરકારે ઘણા ખરડા-પ્રસ્તાવો સંસદમાંથી પાસ કરાવવાની યોજના ઘડી કાઢી છે. તો વિપક્ષ પણ કોરોના મહામારીની બીજી લહેરનો સામનો કરવાની રીત,ઇંધણના સતત વધી રહેલા ભાવ, મોંઘવારી – બેરોજગારી, કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો આંદોલન સહિત ઘણા મુદ્દે મોદી સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાદે સર્વપક્ષીય બેઠકમાં કહ્યુ કે, સરકાર સંસદમાં વિવિધ મુદ્દો પર ઉપયોગી ચર્ચા કરવાના પક્ષમાં છે, ત્યારબાદ જારી સત્તાવાર નિવેદનમાં જણાવ્યુ કે, વડાપ્રધાન એ સદનમાં વિવિધ પક્ષોના નેતાઓને કહ્યુ કે, દેશની તંદુરસ્ત લોકતંત્રની પરંપરા, લોકો સાથે જોડાયેલા મુદ્દાઓને સદભાવપૂર્ણ રીતે રજૂ કરવા જોઇએઅને સરકારને આ બાબતો પર પ્રતિક્રિયા રજૂ કરવાનો વિકલ્પ આપવો જોઇએ.
ચોમાસુ સત્ર પૂર્વે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં ૩૩ પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે લોકના પ્રતિનિધિઓના સૂચનો વિશેષરૃપે વિપક્ષના સૂચનો ઘણા જ મૂલ્યવાન હોય છે, કારણ કે તે ચર્ચાને સમૃદ્ધ બનાવે છે. સંસદીય સત્રના પહેલા દિવસે વડાપ્રધાન મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓને ગૃહ સમક્ષ રજૂ કરશે.
વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસ ભારત અને ફ્રાન્સ વચ્ચે રફાલ સોદા અંગે ફ્રાન્સમાં શરૃ થયેલી તપાસનો મુદ્દો પણ ઊછાળશે. ઉપરાંત વિપક્ષ સરકાર પર વિવિધ બિલને ઉતાવળે પસાર કરાવવાના બદલે તેને સંસદની સ્થાયી સમિતિ સમક્ષ મોકલવા માટે દબાણ કરશે.