નવી દિલ્હીઃ સામાન્ય વ્યક્તિ પણ વાજબી ટિકિટે વિમાન મુસાફરી માણી શકે તેવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી ઉડાન સ્કીમ હજી પણ લક્ષ્યાંકથી ઘણી દૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી મહત્વકાંક્ષી યોજના ઉડાન સ્કીમ લોન્ચ થયાના ચાર વર્ષ બાદ પણ અમલીકરણની ધીમી ગતિને પગલે 50 ટકા રૂટ પર પણ ચાલુ થઇ શકી નથી અને કોવિડ-19 મહામારીની બીજી લહેરને પગલે યોજના વધુ પ્રભાવિત થઇ શકે છે. રિપોર્ટના મતે 2024 સુધી ઓછામાં ઓછા 1,000 રિજનલ કનેક્ટિવ રૂટ (આરસીએસ) શરૂ કરવા અને 100થી વધારે નોન રિઝર્વ્ડ અને નાના એરપોર્ટના સંચાલનનું લક્ષ્ય હાંસલ કરવામાં બે વર્ષનો વિલંબ થઇ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 એપ્રિલ 2017ના રોજ ઉડાન યોજનાની શરૂઆત કરી હતી, જેનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને વિમાન મુસાફરીની સુવિધા આપવાનો હતો. તેની માટે સરકારે નાણાંકીય સહાયતા અને માળખાંકીય વિકાસ પર ભાર મૂક્યો છે. રેટિંગ એજન્સી ઇકરાના મતે 31 મે સુધી ઉડાન સ્કીમ હેઠળ કુલ રૂટમાંથી માત્ર 47 ટકા રૂટ અને 39 ટકા એરપોર્ટ જ ચાલુ થઇ શક્યા હતા.
કામકાજ શરૂ કરનાર નવા આરસીએસ રૂટની સંખ્યા 2019 અને 2020માં ઝડપથી વધી પરંતુ કોરોના-19ની મહામારીને પગલે 2021માં તેની ગતિ ધીમી પડી ગઇ છે. ઇકરાના મતે નાણાંકીય વર્ષ 2018થી 2021 દરમિયાન સરકારે ઉડાન યોજના પાછલ કુલ 3350 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને નાણાંકીય વર્ષ 2022ની માટે 1130 કરોડ રૂપિયાની બજેટમાં જોગવાઇ કરી છે.
કેટલાંક રિજનલ કનેક્ટિવિટી રૂટ એરપોર્ટ પર માળખાગત સુવિધાઓની અછત તથા નિયામકીય મંજૂરીઓમાં વિલંબને પગલે ઉડાન સ્કીમનો અમલ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. તેમણે કહ્યુ કે, કેટલાંક રૂટો પર ઓછી માંગ, ખરાબ હવામાન અને મહામારીને લીધે યોજના પ્રભાવિત થઇ છે.