BBL અને PSL માં રમેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એરોન સમર્સને સગીર ચાહકના જાતીય શોષણ બદલ ૧૦ મહિનાની જેલની સજા
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ અને રમત જગતને શર્મસાર કરતો એક અત્યંત ગંભીર કિસ્સો સામે આવ્યો છે. બિગ બેશ લીગ (BBL) માં હોબાર્ટ હરિકેન્સ અને પાકિસ્તાન સુપર લીગ (PSL) માં કરાચી કિંગ્સ તરફથી રમી ચૂકેલા ૨૯ વર્ષીય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર એરોન સમર્સને તાસ્માનિયા સુપ્રીમ કોર્ટે સગીર ચાહકના જાતીય શોષણના કેસમાં ૧૦ મહિનાની જેલની સજા સંભળાવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે સમર્સે સગીર વયના ચાહકો સુધી પહોંચવા અને તેમનું શોષણ કરવા માટે એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકેની પોતાની ઓળખનો દુરુપયોગ કર્યો હતો.
મેચ દરમિયાન મુલાકાત અને સોશિયલ મીડિયાથી સંપર્ક
તાસ્માનિયા સુપ્રીમ કોર્ટના જજ હેલેન વુડ સમક્ષ રજૂ કરાયેલા કેસની વિગતો મુજબ, આ ઘટના ડિસેમ્બર ૨૦૧૭ ની છે. તે સમયે ૨૧ વર્ષનો સમર્સ BBL માં હોબાર્ટ હરિકેન્સ ટીમનો ભાગ હતો. હોબાર્ટ ખાતે રમાયેલી એક મેચ દરમિયાન તે ૧૫ વર્ષની એક સગીર ચાહક અને તેના મિત્રોને મળ્યો હતો. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ અન્ય એક મેચ દરમિયાન સમર્સે બાઉન્ડ્રી લાઇન નજીક તે છોકરી સાથે વાતચીત કરી હતી.

ત્યારબાદ બંને ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાયા હતા. મેચના બીજા જ દિવસે સમર્સે તે છોકરીને મળવા માટે બોલાવી હતી અને રાત્રિના સમયે તેને એક સ્થાનિક શાળાના પરિસરમાં લઈ ગયો હતો, જ્યાં તેણે આ કુકૃત્ય આચર્યું હતું.
કોર્ટનું કડક વલણ અને ટિપ્પણી
સુનાવણી દરમિયાન જજ હેલેન વુડે નોંધ્યું હતું કે પિડિત છોકરી તે સમયે માત્ર ૯મા કે ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે અત્યંત નાની, માસુમ અને બિનઅનુભવી હતી. તે સમર્સના વાસ્તવિક અને ખરાબ ઇરાદાઓને સમજી શકી નહોતી. સમર્સે એક સ્ટાર રમતવીર તરીકેની પોતાની લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને આ સગીરને જાળમાં ફસાવી હતી.
ઘટના બાદ પણ સમર્સે તે કિશોરી સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો અને તેને અશ્લીલ તથા અયોગ્ય તસવીરો મોકલતો રહ્યો હતો. બંને વચ્ચે છેલ્લી વાતચીત ૨૦૨૧ ની શરૂઆતમાં થઈ હતી. કોર્ટમાં સમર્સે સગીર સાથે જાતીય શોષણના બે ગુના અને અશ્લીલ સામગ્રી બતાવીને ગ્રેમિંગ કરવાના એક ગુનાની કબૂલાત કરી હતી.

અગાઉ પણ જેલની સજા ભોગવી ચૂક્યો છે સમર્સ
એરોન સમર્સનો ગુનાહિત ઇતિહાસ આટલેથી જ અટકતો નથી. આ અગાઉ પણ તે આવા જ શરમજનક ગુનાઓમાં જેલની સજા કાપી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના નોર્ધર્ન ટેરિટરી (ઉત્તરી પ્રદેશ) માં ૨૦૨૧ માં તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેના પર ચાઇલ્ડ એબ્યુઝ મટીરીયલ (બાળ શોષણ સામગ્રી) રાખવા, તેનું વિતરણ કરવા અને ૧૬ વર્ષથી ઓછી વયની વ્યક્તિને જાતીય પ્રવૃત્તિ માટે તૈયાર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.
તે કેસમાં દોષી ઠર્યા બાદ સમર્સે નોર્ધર્ન ટેરિટરીની જેલમાં લગભગ ૩ વર્ષ અને ૧૧ મહિનાનો સમય વિતાવ્યો હતો. ત્યાંથી સજા પૂરી થયા બાદ તેને તાસ્માનિયા પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો, જ્યાં આ જૂના કેસ સંદર્ભે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હવે તેને વધુ ૧૦ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.