વલસાડ જિલ્લા માં ભારે વરસાદ અને ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ ને કારણે પાણી ની આવક વધતા મધુવન ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ અપાયું હતું.
દમણગંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાતા લોકો ને સાવચેત રહેવા અપીલ સાથે પોલીસ અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ ધરાયુ હતું.
ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ડેમના 9 દરવાજા 4 મીટર ખોલવાની ફરજ પડી હતી. 21 જુલાઇની બપોરથી લઇને 22 જુલાઈએ વહેલી સવારના 5 વાગ્યા સુધી ડેમમાંથી દર કલાકે 1 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે. દમણના લોકો માં પણ ગભરાટ જોવા મળ્યો હતો.
ઉપરવાસના વરસાદને કારણે મધુબન ડેમની સપાટી રાત્રે 3 વાગ્યે 73.70 નોંધાઈ હતી. ડેમના 9 દરવાજા ખોલી 1.43 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને કારણે દમણ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ અને તંત્ર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. જોકે સવારે છ વાગ્યાની આસપાસ ડેમની સપાટીમાં થોડો ઘટાડો થયો હતો. ડેમની સપાટી 72.90ની આસપાસ પહોંચી છે. ડેમમાં 43247 ક્યુસેક પાણીની આવક છે, જ્યારે 1.34 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય લોકો ને નિચાણવાળા વિસ્તાર જરૂર પડે છોડી દેવા જણાવાયુ હતું.