નવી દિલ્હીઃ કોરોના સંકટકાળ દરમિયાન ભારતમાં બેરોજગારીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે તેમાંય ગ્રામીણ વિસ્તારોની તુલનાએ શહેરી વિસ્તારોમાં બેકારીની સમસ્યા વધારે ગંભીર બની રહી છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના આંડાઓ મુજબ 25 જુલાઇ, 2021ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે દેશના ગ્રામીણ વિસ્તારોમાં બેકારીનો દર વધીને 6.75 ટકાએ પહોંચી ગયો છે. જે તેની પૂર્વેના સપ્તાહે 5.1 ટકા હતો.
CMIE એ જણાવ્યુ કે, શહેરી વિસ્તારોમાં પણ આ દરમિયાન બેરોજગારીનો દર વધ્યો છે પરંતુ ગ્રામીણ વિસ્તારોની તુલનાએ આ વૃદ્ધિ ઓછી રહી છે. 25 જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર વધીને 8.01 ટકાના સ્તરે પહોંચી ગયો છે, જે એક સપ્તાહ પૂર્વે 7.94 ટકા હતો.
CMIEના આંકડાઓ મુજબ 25 જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશમાં કુલ બેરોજગારીનો દર 7.14 ટકા નોંધાયો છે, જે તેની પૂર્વે 5.98 ટકા હતો. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જુલાઇની શરૂઆતથી જ 9 ટકાની નીચે રહ્યો છે. આ દરમિયાન દેશભરમાં બેકારીનો દર 8 ટકાની રહ્યો છે.
કોરોના મહામારીની બીજી લહેરની પણ દેશમાં રોજગારી અને નવી નોકરીઓના સર્જન પર પ્રતિકુળ અસર થઇ છે. અલગ- અલગ રાજ્યામાં સ્થાનિક સ્તરે લાદવામાં આવેલા લોકડાઉન અને પ્રતિબંધોના લીધે આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઇ ગઇ હતી તેની સૌથી વધારે અસર અસંગઠિત ક્ષેત્રમાં જોવા મળી છે.