નવી દિલ્હીઃ કઠોળ-દાળની કિંમતોને અંકુશમાં રાખવા માટે મોદી સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.અગાઉ સ્ટોક લિમિટ લાદયા બાદ હવે કઠોળની વધતી કિંમતો પર અંકુશ મૂકવા માટે કેન્દ્ર સરકારે સોમવારે મસૂરની આયાત જકાતને શૂન્ય કરી દીધી છે. તે ઉપરાંત કઠોળ પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેશ પર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દીધુ છે. તેનાથી કઠોળની ઘરેલુ સપ્લાય પણ વધશે. નાણાં મંત્રી નિર્મલા સિતારમને આનો પરિપત્ર સંસદના બંને સદનોમાં રજૂ કર્યો. આયાત જકાત અને સેશનના ઘટેલા દર મંગળવારથી લાગુ થશે.
નાણાં મંત્રીએ કહ્યુ કે, અમેરિકા ઉપરાંત અન્ય દેશોમાંથી આયાત થનાર મસૂર પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને 10 ટકા કરાઇ છે. જ્યારે અમેરિકાથી આયાત થતી મસૂર પર તેને 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરાઇ છે. એટલે તેમાં 10 ટકાનો ઘટાડો કરાયો છે.
તાજેતરના મહિનાઓમાં મસૂર દાળની રિટેલ કિંમત 30 ટકા વધી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના મતે 1 એપ્રિલ 2021ના રોજ તેની કિંમત 70 રૂપિયા પ્રતિ કિગ્રા હતી જે હાલ 100 રૂપિયા પ્રતિ કિગ્રા છે. ઇન્ડિયન પ્લસિસ એન્ડ ગ્રેઇન્સ એસોસિએશન (ઇપ્જા)ના ઉપાધ્યક્ષ બિમલ કોઠારીએ ચાલુ મહિને જ કહ્યુ હતુ કે ભારતને દર વર્ષે 2.5 કરોડ ટન કઠોળની જરૂર પડે છે. ચાલુ વર્ષે આપણને કઠોળની અછતનો સામનો કરવો પડી શકે છે.
દેશમાં કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા માટે સરકારે કેટલીક કૃષિ ચીજો પર કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેશ લાદયો છે. તેમાં પેટ્રોલ, ડીઝલ, સોનુ અને અન્ય કેટલીક આયાતી એગ્રી પ્રોડક્ટ શામેલ છે.