ઉજ્જૈનઃ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડ્યા હતા અને તેના લીધે થોડીક વાર ભાગદોડ મચી ગઇ હતી જો કે સદભાગ્યે કોઇ જાનહાની થઇ ન હતી. જો કે મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે ભાગદોડ જેવો માહોલ સર્જાતા અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે.
મંદિરની અંદર ઉપલબ્ધ લોકોના કહેવા અનુસાર, મંદિરમાં દર્શન કરવા માટે આવેલા વીઆઇપી લોકો સાથે મંદિરમાં ભીડ ઉમટી પડતા સ્થિતિ નિયંત્રણથી બહાર થઇ ગઇ હતી. શ્રાવણ મહીનાના પ્રથમ સોમવારના રોજ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી સહિત અનેક વીઆઇપી લોકો દર્શન કરવા મંદિરમાં આવ્યાં હતાં. ઉલ્લેખનિય છે કે ઉત્તર ભારતમાં રવિવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઇ છે. શ્રાવણ માસમાં ભગવાન શંકરની પૂજા- ઉપાસનાનું અનેરં મહત્વ છે.
#WATCH | A stampede-like situation was seen at Mahakaleshwar Temple in Ujjain, Madhya Pradesh yesterday pic.twitter.com/yxJxIYkAU5
— ANI (@ANI) July 27, 2021
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, મંદિરના ગેટ નંબર 4 પરથી શ્રદ્ધાળુઓ સુરક્ષા ઘેરાને તોડી ધક્કા-મુક્કી સાથે અંદર ઘૂસવા લાગ્યાં. જેનાથી ભારે ભાગદોડ જેવી હાલત સર્જાઇ ગઇ હતી. જો કે, રાહતની વાત તો એ છે કે, મોટી દુર્ઘટના થતા-થતા ટળી ગઇ અને કોઇના જીવ પણ ગયા નહીં. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે તૈનાત પોલીસ સાથે શ્રદ્ધાળુઓ ધક્કા-મુક્કી કરતા જોવા મળી રહ્યાં છે.
ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ગયા મહીને એવાં લોકો માટે ખોલવામાં આવ્યું છે કે, જેઓએ કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લગાવ્યો હોય અથવા તો પછી જેનો 48 કલાક પહેલાંનો RTPCR રિપોર્ટ નેગેટિવ હોય. પ્રશાસને મંદિરમાં પ્રવેશ માટે સવારના 6 કલાકથી રાતના 8 વાગ્યા વચ્ચે 3500 લોકોની દર્શન કરવાની સંખ્યા નક્કી કરાઇ હતી. જેમાં 2 કલાકમાં 500 લોકોને જ એન્ટ્રી આપવાની પરવાનગી છે.