મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગુરુવારે ગોવા સ્થિત મડગામ અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડનું લાઇસન્સ રદ કર્યુ છે. આ સહકારી બેન્ક પોતાની હાલની નાણાંકીય સ્થિતિ સાથે પોતાના હાલના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હોવાથી RBI દ્વારા લાઇસન્સ રદ કરવામાં આવ્યુ છે.
RBIએ કહ્યુ કે, સહકારી બેન્કોના આંકડાઓ અનુસાર લગભગ 99 ટકા થાપણદારોની જમા રકમ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) પાસેથી પ્રાપ્ત થઇ જશે. જે હેઠળ થાપણદારો 5 લાખ રૂપિયા સુધી પોતાની જમા રકમ મેળવવા હકદાર છે.
રિઝર્વ બેન્કે કહ્યુ કે, ગોવાના ઓફિસ ઓફ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝને પણ આ સહકારી બેન્ક બંધ કરવા અને તેની માટે એક લિક્વિડેટરની નિમણુંક કરવાનો આદેશ જારી કરવા સૂચન કરાયુ છે.
મધ્યસ્થ બેન્કે કહ્યુ કે, મડગામ અર્બન કોઓપરેટિવ બેન્કની પાસે પુરતી મૂડી અને કમાણીની કોઇ સંભાવના નથી. ઉપરાંત તે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ-1949ની વિવિધ જોગવાઇઓનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે.