ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ધમધાટ શરુ થઈ ગયો છે. રાજકીય પાર્ટીઓમાં સળવળાટ શરુ થઈ ગયો છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપ સામે બાથ ભીડવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આપના સૂત્રોએ જણાવ્યું છે કે રાજકોટમાં આગામી વિધાનસભાની ચૂંટણી ભારે રોચક અને થ્રીલીંગ બની રહેવાની છે એનું કારણ એ છે કે આપ દ્વારા રાજકોટમાં ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી વિજય રુપાણી સામે મેદાનમાં ઉતરવાની અટકળો ચાલી રહી છે.
દિલ્હી વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે તે સમયે સીધી રીતે ફાઈટ તે વખતના મુખ્યમંત્રી શીલા દિક્ષીત વિરુદ્વ લડી હતી. શીલા દિક્ષીતની ડિપોઝીટ સુદ્વાં ડૂલ થઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલની પેર્ટન છે કે તેઓ કોઈ પણ પક્ષના મુખ્યમંત્રી હોય તેની સામે જ પોતાની પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારને મેદાનમાં ઉતારે છે. કેજરીવાલ ગુજરાતમાં પણ આ જ પેટર્ન લાગુ કરી એવી શક્યતાઓ દેખાઈ રહી છે.
હાલ ગુજરાતમાં આપના સૌથી મોટા નેતા તરીકે ઈસુદાન ગઢવી ઉભરી રહ્યા છે. સાથે સાથે મહેશ સવાણી અને ગોપાલ ઈટાલીયા પણ છે પરંતુ ઈસુદાન ગઢવી ઓબીસી સમાજમાંથી આવે છે અને ઈસુદાનને રાજકોટમાંથી મુખ્યમંત્રી રુપાણી સામે ઉભા રાખવાની અટકળો આમ આદમી પાર્ટીમાં ચાલી રહી છે.
આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ગુજરાતમાં ભાજપની બી ટીમ તો કોંગ્રેસ છે અને આપ દ્વારા ગુજરાતમાં ભાજપની સરકાર સામે અસરકાર રીતે આંદોલન કરવામાં આવી રહ્યા છે. આપના નેતાઓ અને કાર્યકરો લોકોની સમસ્યાઓને વાચા આપી રહ્યા છે. તાજેતરમાં જ ઈસુદાન ગઢવીનાં કાફલા પર હૂમલો કરવામાં આવ્યો હતો. આપ દ્વારા ઈસુદાન પર મોટો દાવ લગાવવામાં આવી રહ્યો હોવાની અટકળો રાજકીય વર્તુળોમાં જોરથી ચાલી રહી છે. નોંધનીય છે કે ઈસુદાન ગઢવી પત્રકાર હતા અને તેમણે પત્રકાર તરીકે રાજીનામું આપીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે.