8મા પગાર પંચમાં પેન્શનધારકોની મોટી માગ: લઘુત્તમ પેન્શન ₹45,000 પ્રતિ માસ કરવાની ભલામણ
કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8મા કેન્દ્રીય પગાર પંચ (8th Pay Commission) ને લઈને ઉત્સુકતા અને અપેક્ષાઓ ચરમસીમાએ પહોંચી છે. દેશભરના વિવિધ પેન્શનર સંગઠનોએ સરકાર અને કમિશન સમક્ષ નાણાકીય રાહત અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક મહત્વની માંગણીઓ રજૂ કરી છે. જેમાં સૌથી મુખ્ય માગણી વર્તમાન લઘુત્તમ પેન્શન ₹9,000 થી વધારીને પ્રતિ માસ ₹45,000 કરવાની તેમજ લઘુત્તમ બેઝિક પગાર ₹69,000 સુધી પહોંચાડવાની છે.
તબીબી અને નાણાકીય જરૂરિયાતો તેમજ વધી રહેલા ફુગાવાને ધ્યાનમાં રાખીને ભારત પેન્શનર્સ સમાજ (BPS) દ્વારા 8મા પગાર પંચ સમક્ષ એક વિસ્તૃત પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ દરખાસ્તમાં સંગઠને કર્મચારીઓ માટે 3.83 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ ઉપરાંત, કર્મચારીના નિવૃત્તિ સમયના અંતિમ પગારના 67 ટકા જેટલું પેન્શન અને 50 ટકા જેટલું ફેમિલી પેન્શન આપવાની રજૂઆત કરવામાં આવી છે. BPSનું કહેવું છે કે દર પાંચ વર્ષે પગાર અને પેન્શનમાં સુધારો કરવો જરૂરી બન્યો છે જેથી નિવૃત્ત વરિષ્ઠ નાગરિકો આર્થિક મુશ્કેલીઓ વગર પોતાનું જીવન જીવી શકે.
3.83 ફિટમેન્ટ ફેક્ટર અને તેની ગણતરી
ઉલ્લેખનીય છે કે ફિટમેન્ટ ફેક્ટર એ કર્મચારીઓના બેઝિક પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે વપરાતો એક મહત્વપૂર્ણ ગુણક (Multiplier) છે. અગાઉ 7મા પગાર પંચ દરમિયાન 2.57 નો ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીઓનું લઘુત્તમ વેતન ₹7,000 થી વધીને ₹18,000 થયું હતું.
જોકે, નિષ્ણાતોનું માનવું છે કે 3.83 ના ફિટમેન્ટ ફેક્ટરને હાલમાં જ અંતિમ કે નિશ્ચિત આંકડો ગણી લેવો ઉતાવળ ભર્યું ગણાશે, કારણ કે આ માત્ર કર્મચારી સંગઠનો તરફથી મૂકવામાં આવેલી માગણી છે. અંતિમ પેન્શન અથવા પગાર સુધારણાનો આંકડો સરકારની નાણાકીય નીતિઓ, એકંદર આર્થિક ફોર્મ્યુલા અને કમિશનના આખરી નિર્ણયો પર નિર્ભર રહેશે.
65 વર્ષની વયથી જ વધારાનું પેન્શન આપવાની માંગ
હાલના નિયમો મુજબ ખૂબ જ મોટી ઉંમરે મળતા વધારાના પેન્શનના લાભો વહેલા શરૂ કરવા સંગઠનોએ ભારપૂર્વક અપીલ કરી છે. BPS ની માંગ છે કે વય આધારિત વધારાના પેન્શનનો લાભ 80 વર્ષની જગ્યાએ 65 વર્ષની ઉંમરથી જ આપવાનું શરૂ કરવું જોઈએ.
આ સુધારાત્મક દરખાસ્તમાં જણાવ્યા મુજબ, 65 વર્ષની વયે છેલ્લા પગારના 70%, 70 વર્ષે 75%, 75 વર્ષે 80%, 80 વર્ષે 85%, 85 વર્ષે 90% અને 90 વર્ષની ઉંમરે પહોંચતાં 100% પેન્શન આપવાની ભલામણ કરવામાં આવી છે. વધતી જતી ઉંમર સાથે સ્વાસ્થ્ય સંભાળનો ખર્ચ વધતો હોવાથી આ વધારો અત્યંત જરૂરી હોવાનું સંગઠનોનું કહેવું છે.
આરોગ્ય સુવિધાઓ અને કમ્યુટેડ પેન્શન પુનઃસ્થાપના
પેન્શનધારકોએ નિવૃત્ત કર્મચારીઓ માટેના ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ (FMA) માં દર મહિને ₹5,000 નો વધારો કરવાની પણ રજૂઆત કરી છે. આ સાથે CGHS (સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ) હેઠળ વધુ સુવિધાઓ, તબીબી નિષ્ણાતોની ઉપલબ્ધતા, પૂરતી દવાઓ અને કેશલેસ સારવારની પહોંચ વધારવા માગ કરી છે. જે પેન્શનરો ગ્રામીણ અથવા નોન-CGHS વિસ્તારોમાં રહે છે તેમને પણ સમાન આરોગ્ય લાભો પૂરા પાડવાની દરખાસ્ત મૂકવામાં આવી છે.
બીજી તરફ, કમ્યુટેડ પેન્શનની પુનઃસ્થાપનાનો સમયગાળો પણ ઘટાડવાની માગણી કરાઈ છે. 60 વર્ષની વયે નિવૃત્ત થતા પેન્શનરો માટે 15 વર્ષના બદલે 11 વર્ષની મુદતે (એટલે કે 71 વર્ષની ઉંમરે) કમ્યુટેડ પેન્શન પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
આ તમામ મુદ્દાઓ હાલ માત્ર પેન્શનર સંગઠનો તરફથી રજૂ કરવામાં આવેલી માગણીઓ છે. કેન્દ્ર સરકાર કે 8મા પગાર પંચ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત આખરી મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ આ પ્રસ્તાવોથી કર્મચારીઓમાં નવી આશા જાગી છે.
