નવીદિલ્હીઃ કોરોના વાયરસના કારણે સર્જાયેલી કટોકટીના લીધે ભારતમાં અબજોપતિઓની સંખ્યા ઘટી છે. કોરોના મહામારીના લીધે નાણાંકાયી સંકટ ઉભુ થયુ છે જેના લીધે ધનિક વ્યક્તિઓની આવક પણ ઘટી છે. આથી કરોડો રૂપિયાની આવક ધરાવતા વ્યક્તિઓની કમાણી હવે લાખોમાં આવી ગઇ છે. જેના પગલે દેશમાં કોરોના સંકટના વર્ષ દરમિયાન અબજોપતિ વ્યક્તિઓ જેમની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયા કે તેનાથી વધારે હોય તેમની સંખ્યા ઘટી છે.
ભારતના નાણાંપ્રધાન નિર્મલા સિતારમને મંગળવારે જણાવ્યુ કે, ઇન્કમ ટેક્સ રિટર્નમાં વાર્ષિક 100 કરોડ રૂપિયા કે તેનાથી વધારે આવક દર્શાવનાર વ્યક્તિઓની સંખ્યા દેશમાં નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન 136 હતી જ્યારે વર્ષ 2019-20માં આવા 141 વ્યક્તિઓ હતા. એટલે કે કોરોના કટોકટીના લીધે દેશમાં 5 અબજોપતિઓ ઓછા થયા છે. અલબત્ત નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન દેશમાં માત્ર 77 અબજોપતિઓ હતા તેમની વાર્ષિક આવક 100 કરોડ રૂપિયા કે તેનાથી વધારે હતી.
શુ દેશમાં કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન અબજોપતિઓની સંખ્યા વધી છે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં નાણાંપ્રધાને કહ્યુ કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)ની પાસે ઉપલબ્દ આંકડાઓ મુજબ પ્રત્યક્ષ વેરા હેઠળ અબજોપતિ શબ્દની કોઇ કાયદાકીય કે પ્રશાસકીય વ્યાખ્યા નથી. તેમણે ઉમેર્યુ કે, વેલ્થ ટેક્સ એપ્રિલ-2016માં નાબૂદ કરાયો છે, આથી સીબીડીટી કોઇ વ્યક્તિગત કરદાતાની સંપૂર્ણ માલિકતો અંગે હવે કોઇ માહિતી રાખતુ નથી.