નવ દિલ્હીઃ દેશના નાના વેપારીઓ- દુકાનદારોને હંમેશા ડર રહે છે કે ઓનલાઇન ઇ-કોમર્સ કંપનીઓના કારણે તેનો ધંધો ચોપટ થયો છે. દેશના વેપારી સંગઠન ઇ-કોમર્સ બિઝનેસનો સતત વિરોધ કરી રહ્યા છે અને સરકારને આ મામલે કડક નિયમો બનાવવા વિનંતી કરી છે.
જો કે હવે તેની માંગણી પૂરી થવાની સંભાવના છે. હવે દેશના નાના દુકાનદારોને ઇ-કોમર્સ કંપનીઓના લીધે નુકસાન સહન કરવો પડશે નહીં. હકીકતમાં સરકારે સ્પષ્ટ કહી દીધુ છે કે કેન્દ્ર સરકાર ગ્રાહકો અને નાના દુકાનદારોના રક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ છે. સરકારે આશ્વાસન આપતા કહ્યુ કે, આ મામલે નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે.
ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) નિયમોને વધુ મજબુત બનાવવાની ખાતરી આપતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ લોકસભાને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા કંપનીઓની માફક ઈ-કોમર્સ કંપનીઓમાં પણ ફરિયાદ અધિકારી નીમવાની તૈયારી ચાલી રહી છે. ભાજપના સાંસદ સુશીલ કુમાર સિંહના પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે નાની દુકાનદારો મોટી ઈ-કોમર્સ કંપનીઓથી પ્રભાવિત થઈ રહ્યા છે.
અમેરિકાનું તેનું ઉદાહરણ પણ છે જ્યાં આવી કંપનીઓના કારણે નાની છૂટક દુકાનો લગભગ બંધ થઈ ગઈ છે.અગાઉ જ્યારે આ ઈ-કોમર્સ કંપનીઓને દેશમાં પ્રવેશવા દેવામાં આવી ત્યારે તેનું કાર્યક્ષેત્ર વ્યાપારીઓથી વ્યાપારી વચ્ચેનું જ હતું અને તેમને એક પ્લેટફોર્મના રૂપમાં કામ કરવાનું હતું જેમાં તે દખલઅંદાજીના કરે.
ગોયલે જણાવ્યું હતું કે મોટી ઈ-કોમર્સ કંપનીઓ તમામ રીતે પ્રયત્નો કરી રહી છે કે તેમને સંપૂર્ણ રાહત આપવામાં આવે અને તે આપણા નાના વેપારીઓને નુકશાન પહોંચાડે. તે સસ્તી કિંમતે સામાન પૂરો પાડે છે,પરંતુ ચિંતાનો વિષય છે કે જ્યારે નાના કારોબાર બંધ થઇ જશે તો પાછળથી તેમનો પ્રભાવ વધી જશે અને ગ્રાહકોએ મોંઘો સામાન ખરીદવો પડશે.