ન્યુયોર્કઃ ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો માટે માઠાં સમાચાર છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટના ઇતિહાસની સૌથી મોટી ચોરીની ઘટના બની છે જેમાં હેકરોએ સાયબર એટેક કરીને કરોડ ડોલરની ડિજિટલ કરન્સી પોતાના એકાઉન્ટરમાં ટ્રાન્સફર કરી લીધી છે.
બ્લોક ચેઇન્સને જોડતી કંપની પોલી નેટવર્ક (Poly Network) એ મંગળવારે ટ્વિટ કરીને કેટલાંક હેકરોએ તેમની સિક્યોરિટી ચોરી લીધી હોવાની માહિતી આપી છે. હેકરોએ સાયબર એટેક કરીને 60 કરોડ ડોલરની મૂલ્યની ક્રિપ્ટોકરન્સી ચોરી લીધી છે. ભારતીય ચલણમાં તેનું મૂલ્ય અંદાજ 4456 કરોડ રૂપિયા જેટલુ થાય છે. હેકરોએ ચોરેલી ક્રિપ્ટોકરન્સીમાં ઇથર અને અન્ય ક્રિપ્ટોકરન્સીઓ શામેલ છે.
કંપનીએ કહ્યુ કે, મોટી સંખ્યામાં ક્રિપ્ટોકરન્સીની ચોરી કરવામાં આવી છે, જે ડિજિટલ કરન્સીના ઇતિહાસની સૌથી મોટી ચોરી હોઇ શકે છે. હેકરોએ તેમની કંપનીના નેટવર્ક પર એટેક કર્યો અને ત્યારબાદ મોટી સંખ્યામાં ક્રિપ્ટોકરન્સીને પોતાના એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી લીધી.
કંપનીએ આ સાથે જ હેકરો તરફથી ઉપયોગમા લેવાયેલો ઓનલાઇન એડ્રેસ પણ શેર કર્યો છે. કંપનીએ આ હેકિંગથી પ્રભાવિત બ્લોકચેઇન અને ક્રિપ્ટો એક્સચેન્જોને આ એડ્રેસથી આવી રહેલા ટોકંસને બ્લોક કરવા જણાવ્યુ છે. પોલી નેટવર્કની સાથ જ હેકરોને ચોરી લીધેલી ક્રિપ્ટોકરન્સી પરત કરવા અપીલ કરી છે.
એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ ચોરીમાં સૌથી વધારે પ્રભાવિત દુનિયાની બીજા ક્રમની સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમ થઇ છે. હેકરોએ 27.3 કરોડ ડોલરની ઇથેરિયમ પર હાથ સાફ કર્યો છે. આ સાથે જ તેમણે પોલી નેટવર્કમાંથી 25.3 કરોડ ડોલરના Binance Smart Chainને પણ પોતાના એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી લીધા છે. લગભગ 3.3 કરોડ ડોલરની Tether કોઇન પણ ચોરી લીધી છે. પરંતુ હેકરોએ એટેક કર્યુ હોવાની જાણ થતા જ ઇશ્યૂકર્તાએ તેને ફ્રીજ કરી દીધા છે.