નવી દિલ્હીઃ કોરોનાના લીધે ચાલુ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ બે મહિના લંબાવવામાં આવી છે. તેમ છતાં વિતેલ એક ઓગસ્ટથી જેમણે પણ ઓનલાઇન આઇટી રિટર્ન ફાઇલ કર્યા છે, તેમની પાસેથી આઇટી વિભાગે લેટ ફી વસૂલી છે. હવે આવા કરદાતાઓને વસૂલવામાં આવેલી લેટ ફી પરત કરાશે. ઇન્કમ ટેક્સ વિભાગે આ ગરબડીને સુધારી છે.
સોફ્ટવેરમાં ખામીના પગલે આવુ થયુ…
ઇન્કમ ટેક્સ વિભાગે કહ્યુ કે, આવુ સોફ્ટવેરમાં ખામીને લીધે થયુ છે. હવે એસેસમેન્ટ વર્ષ 2020-21ના રિટર્ન ફાઇલ કરતા સમયે કરદાતાઓ પાસેથી વસૂલવામાં આવેલ વ્યાજ અને લેટ ચાર્જને પરત ચૂકવાશે. ઉલ્લેખનિય છે કે મહામારી દરમિયાન કરદાતાઓને અનુપાલન સંબંધિત રાહત આપવાના ઉદ્દેશ્યથી પાછલા નાણાકીય વર્ષના આઇટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ 31 જુલાઇ 2021થી વધારીને 30 સપ્ટેમ્બર 2021 સુધી લંબાવવામાં આવી છે.
31 જુલાઇ બાદ ફાઇલ કરાયેલા રિટર્ પર વસૂલાઇ લેટ ફી
આમ તો ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓને 30 સપ્ટેમ્બર 2021 સુધી આઇટી રિટર્ન ફાઇલ કરવાનો સમય આપ્યો છે. પરંતુ કેટલાંક કરદાતાઓની એવી ફરિયાદ હતી કે 31 જુલાઇ 2021 બાદ ફાઇલ કરાયેલા આઇટી રિટર્ન પર તેમની પાસેથી વ્યાજ અને લેટ ફી વસૂલવામાં આવી છે. જે કરદાતાઓનુ આઇટી રિટર્ન નિલ ટેક્સ હતુ તેમની પાસેથી માત્ર લેટ ફી વસૂલાઇ છે.
આઇટી વિભાગે ટ્વિટમાં લખ્યુ કે ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 234એ હેઠળ વ્યાજ અને કલમ 234એફ કે હેઠળ લેટ ફીની ખોટી ગણતરી સંબંધિત ખામીને દૂર કરવા માટે આઇટીઆર સોફ્ટવેરને એક ઓગસ્ટના રોજ સુધારવામા આવ્યું છે. આવકવેરા વિભાગે લખ્યુ કે, કરદાતાઓને સુચન અપાયુ છે કે તેઓ આઇટીઆર સોફ્ટવેરના નવા વર્ઝનનો ઉપયોગ કરે અથવા ઓનલાઇન ફાઇલ કરે.
જો કોઇ પણ રીતે કોઇએ પહેલા જ આવા પ્રકારના ખોટા વ્યાજ કે લેટ ફીની સાથે આઇટીઆર ફાઇલ કર્યો છે, તો સીપીસી- આઇટીઆર પર ફાઇલિંગ કરતી વખતે તેની યોગ્ય ગણતરી કરાશે અને ચૂકવેલ વધારાની રકમ જો હશે તો તેને રિફંડ કરાશે.