સરકારી બેંકોમાં આવી રહ્યું છે મોટું પરિવર્તન! યુવાનોને આકર્ષવા નાણામંત્રીએ બનાવ્યો આ માસ્ટર પ્લાન.
દેશની જાહેર ક્ષેત્રની બેંકો (Public Sector Banks – PSBs) એ આગામી સમયમાં ગ્રોથ અને વિકાસના નવા તબક્કામાં પ્રવેશવા માટે યુવા પેઢી (GenZ) સાથે મજબૂત સબંધો બાંધવા પડશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે તમામ સરકારી બેંકોના પ્રમુખો સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના યુવાનોને દેશની સત્તાવાર નાણાકીય વ્યવસ્થા (Formal Financial System) માં જોડવા માટે આહ્વાન કર્યું હતું. આ માટે તેમણે આગામી 2 ઓક્ટોબરથી એક મહિના લાંબુ ‘બેંકિંગ ફોર યુથ’ (Banking for Youth) અભિયાન શરૂ કરવાનું વિશેષ સૂચન કર્યું હતું.
દિલ્હી ખાતે આયોજિત ‘પીએસબી કોન્ફરન્સ 2026’ ને સંબોધતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, બેંકોએ માત્ર ખાતા ખોલવા પૂરતું મર્યાદિત રહેવાના બદલે ગ્રાહકો સાથે ‘કેમ્પસથી લઈને કેરિયર સુધી’ ના લાંબા ગાળાના સંબંધો સ્થાપિત કરવાનો અભિગમ અપનાવવો પડશે. આજના ડિજિટલ યુગમાં યુવાનો લાઇફસ્ટાઇલ અને સગવડને પ્રાધાન્ય આપે છે. યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન કરનારાઓમાં 66% લોકો 18 થી 29 વર્ષની વયજૂથના છે, તે વાત ધ્યાને મુકતા તેમણે બેંકોને ફિટનેસ અને વેલનેસ પ્લેટફોર્મના વાઉચર્સ જેવા લાઇફસ્ટાઇલ-લિંક્ડ બેનિફિટ્સ ઓફર કરવાની સલાહ આપી હતી.

નાણામંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, “આજના યુવાનો યુપીઆઈ અને ડિજિટલ સેવાઓથી પહેલેથી જ ટેવાયેલા છે. તેઓ એવી અપેક્ષા રાખે છે કે બેંકિંગ પ્રક્રિયા એકદમ સરળ (Simple), સહજ (Intuitive), પર્સનલાઇઝ્ડ અને સૌથી અગત્યનું ‘કૂલ’ (Cool) હોવી જોઈએ. ખાનગી બેંકો આ દિશામાં સારું કામ કરી રહી છે, તેથી સરકારી બેંકોએ પણ હવે પોતાની શૈલી બદલવી પડશે.”
‘બેંકિંગ ફોર યુથ’ અભિયાન: યુનિવર્સિટી અને કેમ્પસ સુધી બેંકોનું સીધું પહોંચવું
ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબરથી શરૂ થનારા આ વિશેષ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 16 વર્ષ અને તેથી વધુ વયના તમામ નાગરિકોને આવરી લેવાનો છે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે બેંકોએ હવે એ દિવસો ભૂલવા પડશે જ્યારે ગ્રાહક બેંક શાખાની મુલાકાત લેવાની રાહ જોતો હતો. હવે બેંકોએ જાતે કોલેજો, યુનિવર્સિટીઓ અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો (Skill-building Institutions) સુધી પહોંચવું પડશે અને યુવાનોને તેમના નાણાકીય પ્રવાસના પ્રારંભિક તબક્કે જ બેંકિંગ સાથે જોડવા પડશે.
બેંક શાખાઓમાં યુવાનોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે નાણામંત્રીએ કેટલીક નવીન વિભાવનાઓ રજૂ કરી હતી:
‘યુવા કિયોસ્ક’ અને ‘યુવા બેંકિંગ મિત્ર’: દરેક મુખ્ય શાખામાં યુવાનો માટે એક અલગ સ્પેસ હોવી જોઈએ જ્યા કર્મચારીઓ તેમને ધિરાણ પ્રોડક્ટ્સ (Credit Products), ક્રેડિટ સ્કોર (Credit Score) અને સરકારી યોજનાઓ વિશે સરળ ભાષામાં માર્ગદર્શન આપી શકે.
યુઝર-ફ્રેન્ડલી યુથ પોર્ટલ: બેંકોએ વેબ અને મોબાઇલ-ફ્રેન્ડલી પોર્ટલ બનાવવું જોઈએ જ્યાં સરળ રીતે કેવાયસી (KYC), સલામત બેંકિંગ, શિષ્યવૃત્તિ, લોન અને ઉદ્યોગસાહસિકતા વિશેની માહિતી ઉપલબ્ધ હોય.
ગેમિફાઇડ ફાઇનાન્શિયલ એજ્યુકેશન: નાણાકીય જાગરૂકતા વધારવા માટે પોર્ટલ પર ક્વિઝ, કસ્ટમાઇઝ્ડ ગ્રાફિક્સ અને ઇન્ટરેક્ટિવ ફીચર્સ દ્વારા સર્ટિફિકેટ્સ આપવા જોઈએ, જેથી યુવાનો રસપૂર્વક શીખી શકે.
નાણામંત્રીએ ઉમેર્યું હતું કે, ભારતની વિશાળ યુવા વસ્તી ભવિષ્યમાં દેશના વપરાશ (Consumption), બચત, રોકાણ અને સંપત્તિ સર્જનની દિશા નક્કી કરશે, તેથી તેમની સાથે વહેલી તકે જોડાણ કરવું એ બેંકો માટે એક મોટો સામાજિક જવાબદારી સાથે અસાધારણ બિઝનેસ તક પણ છે.

પ્રાધાન્યતા ક્ષેત્ર ધિરાણ (PSL): માત્ર આંકડાકીય લક્ષ્યાંકો નહીં, ગુણવત્તા પર ભાર
જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા આપવામાં આવતા ‘પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ’ (PSL) પર વાત કરતા નિર્મલા સીતારામને એક મહત્વપૂર્ણ નીતિગત સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, બેંકોની સફળતા માત્ર આંકડાકીય લક્ષ્યો (Numerical Targets) સિદ્ધ કરવા પરથી ન માપવી જોઈએ, પરંતુ એ જોવું જરૂરી છે કે પૂરું પાડવામાં આવેલું ધિરાણ સમયસર, પૂરતું અને ઉત્પાદક (Productive) છે કે નહીં.
ખેતી ક્ષેત્રે ધિરાણ પ્રવાહ મજબૂત કરવા તેમણે નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો:
કઠોળ અને તેલીબિયાં પર ધ્યાન: બેંકોએ કૃષિ ક્ષેત્રે ખાસ કરીને કઠોળ (Pulses) અને તેલીબિયાંના (Oilseeds) ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ટાર્ગેટેડ ધિરાણ વધારવું જોઈએ.
PM ધન-ધાન્ય કૃષિ યોજના: બેંકોની ધિરાણ નીતિઓને કેન્દ્ર સરકારની ‘પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના’ સાથે સુસંગત બનાવવી જોઈએ.
હવામાન પરિવર્તન સામે રક્ષણ: કૃષિ ધિરાણ એવું હોવું જોઈએ જે આબોહવા પરિવર્તન સામે ખેડૂતોને ક્ષમતા પૂરી પાડે અને સ્થાનિક પરિસ્થિતિઓને અનુકૂળ હોય.
‘વન-સાઇઝ-ફિટ્સ-ઓલ’ નો મોડેલ નહીં ચાલે
ખેડૂતો અને નાના કારોબારીઓને અપાતી લોન અંગે ચર્ચા કરતા નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, તમામ વિસ્તારો અને પાકો માટે એક જ સરખો નિયમ લાગુ કરી શકાય નહીં. દેશના દરેક ભાગમાં પાક, હવામાન, જમીન, પાણીની ઉપલબ્ધતા અને ઉત્પાદનની પરિસ્થિતિઓ અલગ-અલગ હોય છે.
તેથી, ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને (Small and Marginal Farmers) ધ્યાનમાં રાખીને બેંકોએ તેમની સ્થાનિક જરૂરિયાતો અનુસાર ફાઇનાન્સિંગ મોડેલ તૈયાર કરવું પડશે.
