ભાજપ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં જન આશિર્વાદ યાત્રા શરુ કરવામાં આવી રહી છે. ગુજરાતના પાંચેય મંત્રીઓ વિધાનસભા વિસ્તારોને આશિર્વાદ યાત્રા દ્વારા ખૂંદી વળવાના છે. આશિર્વાદ યાત્રા એક રીતે ભાજપ દ્વારા કોરોના સહિત ગુજરાત સરકારની પાંચ વર્ષની કામગીરીના સર્વેને પણ આવરી લેવામાં આવશે એવું જણાય છે.
ભાજપનું મોવડી મંડળ ગુજરાતમાં પૂરેપૂરી તાકાત સાથે સરકાર સામેની તમામ એન્ટી ઈનકમ્બન્સીને દુર કરવાની ભરચક કોશીશ કરવાના ભાગરુપે જન આશિર્વાદ યાત્રા શરુ કરી રહ્યું છે. આ યાત્રા દ્વારા સરકારની યોજના અને સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીને લોકો સુધી પહોંચાડવાનો અભિક્રમ છે.
રૂપાણી સરકારના નવ દિવસના કાર્યક્રમ બાદ હવે ભાજપ “જનસંપર્ક અભિયાન’ શરૂ કરશે. સંગઠનના આ કાર્યક્રમ જન આશીર્વાદ યાત્રા’માં કેન્દ્રીય પ્રધાનો સાથે રાજ્યના પ્રધાનો પણ જોડાશે. 16 થી 21 ઓગસ્ટ સુધી જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય પ્રધાનો સાથે રાજ્યના પ્રધાનો પણ જોડાશે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની યાત્રામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા જોડાશે.
આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની યાત્રામાં આર.સી.ફળદુ, કૌશિક પટેલ અને કિશોર કાનાણી જોડાશે. કેન્દ્રીય પ્રધાન દર્શનાબેન જરદોશની યાત્રામાં ગણપત વસાવા, ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, ઈશ્વરસિંહ પટેલ અને રમણ પાટકર જોડાશે. તો, કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણ સાથે દિલીપ ઠાકોર, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર, બચુભાઈ ખાબડ જોડાશે. કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર મુંજપરાની યાત્રામાં કૌશિક પટેલ, સૌરભ પટેલ, કુંવરજી બાવળીયા, પ્રદીપસિંહ જાડેજા, વિભાવરીબેન દવે જોડાશે. મહત્વનું છે કે, રાજ્ય સરકારના પ્રધાનો પોતાના મતવિસ્તાર અને પ્રભારી જિલ્લાઓ પ્રમાણે યાત્રામાં જોડાશે.