માનવ સુથાર અને ઋષભ પંતની ચતુર જાળ: કોલંબો ટેસ્ટમાં પસિંદુ સૂરિયાબંદરાને કરી સ્ટમ્પ આઉટ; ભારતે બનાવી મેચ પર પકડ
કોલંબોના ઐતિહાસિક SSC ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમના યુવા સ્પિનર માનવ સુથાર અને અનુભવી વિકેટકીપર ઋષભ પંતની જોડીએ અદ્ભુત ચતુરાઈ દર્શાવી હતી. શ્રીલંકાના સેટ બેટ્સમેન પસિંદુ સૂરિયાબંદરાને પોતાની ઝાળમાં ફસાવીને સ્ટમ્પ આઉટ કરાવવાનો વિડીયો અને ચર્ચા હાલ ક્રિકેટ જગતમાં વ્યાપક પ્રશંસા મેળવી રહી છે.
પ્રથમ દાવમાં 213 રનની વિશાળ લીડ મેળવ્યા બાદ ભારતે શ્રીલંકાને ફોલોઓન આપ્યું હતું. જોકે, બીજા દાવમાં શ્રીલંકાના બેટ્સમેનોએ વળતી લડત આપી હતી. ચોથા દિવસની રમત અંતિમ સત્ર દરમિયાન ખરાબ હવામાન અને વરસાદને કારણે વહેલી સમાપ્ત ઘોષિત કરવામાં આવી ત્યારે શ્રીલંકાએ 6 વિકેટના નુકસાને 229 રન બનાવીને 16 રનની નાની લીડ મેળવી લીધી હતી. શ્રીલંકા તરફથી પસિંદુ સૂરિયાબંદરાએ 92 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ દિવસના અંતિમ તબક્કામાં માનવ સુથારે પંતના સહયોગથી તેને પેવેલિયન ભેગો કરી ભારતને મોટી રાહત અપાવી હતી.
સુથાર અને પંતનો માસ્ટરપ્લાન: વાઈડ ડિલિવરી પર સૂરિયાબંદરા ફસાયો
પસિંદુ સૂરિયાબંદરા પોતાના પ્રથમ ટેસ્ટ શતકની ખૂબ નજીક પહોંચી ગયો હતો અને ભારતીય સ્પિનરો સામે સતત ક્રીઝ છોડીને આગળ આવીને શોટ્સ રમી રહ્યો હતો. માનવ સુથારે અગાઉની ઓવરોમાં તેને મિડલ અને ઓફ-સ્ટમ્પની વચ્ચે જ બોલિંગ કરી ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિકેટની પાછળ ઉભેલા ઋષભ પંતે પસિંદુની અધીરાઈ તુરંત ભાંપી લીધી હતી. પંતે સ્ટમ્પ માઇક દ્વારા માનવ સુથાર અને મિડ-ઓન પર ઉભેલા ફિલ્ડરને ચેતવ્યા કે બેટ્સમેન ઉતાવળો થઈ રહ્યો છે અને આગળ વધીને મોટો શોટ રમવા જશે. 61મી ઓવર દરમિયાન માનવ સુથારે પંતની સલાહ મુજબ અચાનક પોતાની લેન્થ અને ફ્લાઇટમાં ફેરફાર કર્યો. સુથારે રાઉન્ડ ધ વિકેટ આવીને બોલને ઓફ-સ્ટમ્પની ઘણો બહાર વાઈડ ફેંક્યો.
જેવો બોલ હવામાં ફ્લાઇટ થયો, સૂરિયાબંદરા આગળ વધી આવ્યો હતો, પરંતુ બોલ લાઈનથી બહાર અને વાઈડ હોવાના કારણે તે તેને કનેક્ટ કરી શક્યો નહીં. પંતે પલકવારનો પણ વિલંબ કર્યા વગર બોલ કલેક્ટ કરીને વીજળીની ઝડપે ગિલિઓ ઉડાવી દીધી હતી. 92 રને રમી રહેલો બેટ્સમેન સેન્ચુરી બનાવતા ચૂકી ગયો અને ભારતને ચોથા દિવસે સૌથી મહત્વની વિકેટ મળી ગઈ.
અંતિમ દિવસે ભારત સામે વિજય અને 2-0 થી શ્રેણી જીતનો લક્ષ્ય
માનવ સુથારે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધા બાદ બીજા દાવમાં પણ મહત્વપૂર્ણ બે વિકેટ (શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને પસિંદુ સૂરિયાબંદરા) ચટકાવી છે. પ્રથમ દાવમાં ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને માનવ સુથારે 3-3 વિકેટ લીધી હતી.
Manav Suthar patiently sets up Pasindu Sooriyabandara, ball by ball, before springing the trap. 🕸️
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/W8cRUX36Wr
— Sony Sports Network (@SonySportsNetwk) August 26, 2026
હવે ટેસ્ટ મેચના પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરો પર મોટી જવાબદારી રહેશે. શ્રીલંકા પાસે હાલમાં માત્ર 16 રનની લીડ છે અને તેમની 4 વિકેટો બાકી છે. ભારત પાંચમા દિવસની શરૂઆતમાં જ બાકીની 4 વિકેટો ઝડપથી ઝડપીને નાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા ઈચ્છશે. જો ભારતીય ટીમ આ લક્ષ્ય સરળતાથી ચેઝ કરી લેશે તો બે ટેસ્ટ મેચોની શ્રેણી પર 2-0થી ક્લીન સ્વીપ કરીને કબ્જો જમાવી લેશે.
