દુબઈ: ICC આજે જાહેર કરેલા રેકિંગમાં ટેસ્ટ બેટમિન્ટન રેકિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક નંબરના જમ્પ સાથે 5મા ક્રમે પહોંચી ગયો છે. જોકે, તેનો સાથે રવિન્દ્ર જાડેજા બોલર્સની યાદીમાં ત્રીજા સ્થાને સરકી ગયો છે, અગાઉ તે બીજા સ્થાને હતો. શ્રીલંકા વિરુદ્ધ કોલકાતા ટેસ્ટમાં બીજી ઈનિંગમાં નોટઆઉટ શતકીય ઈનિંગ ફટકારી હતી, જે ઈન્ટરનેશન ક્રિકેટમાં તેની 50મી સદી હતી. આ પ્રદર્શનને આધારે તે ઑસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરથી આગળ નીકળી ટોપ-5માં પહોંચી ગયો છે.
ધવનની બે સ્થાનની છલાંગ, રાહુલ 8માં ક્રમે યથાવત
વન-ડે અને ટી-20 બંને ફોર્મેટમાં દુનિયાના નંબર 1 બેટ્સમેન કોહલીએ ડ્રૉ થયેલી આ મેચના છેલ્લા દિવસે અણનમ 104 રન બનાવ્યા હતા. તેની સાથે ભારતીય ઓપનર શિખર ધવન 2 સ્થાનના સુધારા સાથે 28મા ક્રમે પહોંચી ગયો છે, જ્યારે ચેતેશ્વર પૂજારાએ ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. લોકેશ રાહુલ પણ આઠમા ક્રમે જળવાઈ રહ્યો છે. જોકે, અજિંક્ય રહાણેના રેંકિંગમાં 4 ક્રમનો ઘટાડો થયો છે અને તે 14મા સ્થાને સરકી ગયો છે.
ભુવનેશ્વરે મેળવી કરિયરની સર્વશ્રેષ્ઠ રેંકિંગ

આ ઉપરાંત બોલરોની યાદીમાં ભુવનેશ્વર કુમારે 8 ક્રમની મોટી છલાંગ લગાવી છે અને હવે તે પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ 29મા ક્રમે પહોંચી ગયો છે. મોહમ્મદ શમી 1 સ્થાનના સુધારા સાથે 18મા નંબરે પહોંચી ગયો છે. કોલકાતા ટેસ્ટમાં સ્પિનર્સને એક પણ વિકેટ ન મળી અને આને કારણે ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજાને 1 ક્રમનું નુકસાન થયું.
ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજા સ્થાન માટે જંગ
ટેસ્ટ રેંકિંગમાં અત્યારે પાંચમા સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડ સામે 2-0થી એશિઝ સીરીઝ જીતે તો તે ઈંગ્લેન્ડને પાછળ છોડી ચોથા સ્થાને આવી જશે અને જો તે 5-0થી ક્લિન સ્વીપ કરે તો ત્રીજા સ્થાને પણ પહોંચી શકે છે. આનાથી ઉલ્ટું જો ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાને 5-0થી હરાવશે તો તેના 110 પોઈન્ટ થઈ જશે અને તે પોતાનું ત્રીજું સ્થાન વધુ મજબૂત કરશે.