રાજ્ય માં વરસાદી માહોલ જામ્યો છે અને ભાદરવા મહિના ની શરૂઆત વરસાદ થી થઈ છે પરિણામે પછોતરા સારા વરસાદ ને પગલે પાણી ની તંગી માં રાહત મળશે.
દક્ષિણ ગુજરાત ના સુરત શહેરમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો છે અને આજે બપોરે અઠવા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને માત્ર એક કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પાણી થી તરબોળ બન્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઇ ડેમમાં હાલ 1.45 લાખ ક્યુસેક પાણીની આવક છે. જેને પગલે ડેમની સપાટી 334.48 ફૂટ પર પહોંચી છે.
વરસાદ થતાં શહેરની ખાડીઓ માં પાણી આવ્યા હતા.
છેલ્લા બે દિવસથી સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદથી શહેરની ખાડીઓનાં લેવલ વધ્યાં છે. સીમાડા-ભેદવાડ ખાડી ભયજનક સપાટી સુધી પહોંચી જતાં પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. શહેરનો મોસમનો 42.63 ઇંચ વરસાદ થઇ ગયો છે. શહેરમાં સરેરાશ મોસમનો 55 ઇંચ વરસાદ સામે 77.50 ટકા વરસાદ નોંધાયો છે.
