કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’

4 Min Read

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટનશીપ પરથી હટાવવા અંગે સૂર્યકુમાર યાદવનો મોટો ખુલાસો: “દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આ કેવી રીતે થઈ શકે”

ભારતને T20 વર્લ્ડ કપ 2026ની ખિતાબી જીત અપાવનારા પૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવ (SKY)ને વર્લ્ડ કપ બાદ અચાનક ભારતીય ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. અણધાર્યા આ નિર્ણયથી સમગ્ર ક્રિકેટ જગત ચોંકી ગયું હતું. હવે આ નિર્ણયના મહિનાઓ બાદ સૂર્યકુમારે પોતાની ચુપકીદી તોડી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા સાથેની વિશેષ મુલાકાતમાં સૂર્યાએ સ્વીકાર્યું હતું કે કેપ્ટનશીપ અને ટીમમાંથી મુક્તિ મળ્યા બાદ તે ભારે આઘાતમાં હતો અને લગભગ દોઢ મહિના સુધી સતત તેના મનમાં એ જ પ્રશ્ન ચાલતો રહ્યો કે, “આ મારી સાથે કેવી રીતે થઈ શકે?”

“બે વર્ષમાં એક પણ સીરીઝ હાર્યા નહોતા, છતાં નિર્ણય કેમ?” સૂર્યાનું દર્દ છલકાયું

જુલાઈ 2024માં સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે ઈતિહાસ રચતા એશિયા કપ અને T20 વર્લ્ડ કપ 2026 પર કબ્જો જમાવ્યો હતો. સૂર્યાના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા એક પણ T20 શ્રેણી હારી નહોતી. પરંતુ આ શાનદાર રેકોર્ડ છતાં, પસંદગીકારોએ અચાનક મોટો નિર્ણય લઈને ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસ માટે સૂર્યાના સ્થાને શ્રેયસ ઐયરને નવો T20 કેપ્ટન બનાવી દીધો હતો.

- Advertisement -

surya.jpg

પોતાની નિરાશા વ્યક્ત કરતા સૂર્યકુમારે કહ્યું, “હું ખરેખર ખૂબ નિરાશ થયો હતો. જ્યારે તમે સતત બે વર્ષ સુધી એક પણ શ્રેણી હારી ન હોય, એશિયા કપ અને વર્લ્ડ કપ જીત્યા હોય, તો સ્વાભાવિક છે કે તમે ઈચ્છો કે આ ગતિ આગળ પણ જળવાઈ રહે. જ્યારે બધું યોગ્ય દિશામાં ચાલી રહ્યું હતું, ત્યારે આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો? આ ફેરફાર પાછળનું કારણ શું હતું? આ પ્રશ્નો મને અંદરથી સતત કોરી ખાતા હતા.”

- Advertisement -

પસંદગીકારોએ ટીમ જાહેરાતના બે-ત્રણ દિવસ પહેલા કર્યો હતો ફોન

સૂર્યકુમાર યાદવે તે ક્ષણ યાદ કરી જ્યારે તેને આ નિર્ણયની જાણ થઈ હતી. તેણે ખુલાસો કર્યો કે પસંદગી સમિતિએ ઈંગ્લેન્ડ શ્રેણીની સત્તાવાર ટીમ જાહેરાતના લગભગ બે થી ત્રણ દિવસ પહેલા તેને ફોન કર્યો હતો. પસંદગીકારોએ તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટીમ હવે ભવિષ્ય તરફ આગળ વધવા માંગે છે અને તેને આગામી પ્રવાસની ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં.

આ ફોન કોલ વિશે વાત કરતા સૂર્યાએ કહ્યું, “જે દિવસે મને પસંદગીકારોએ ફોન કરીને કહ્યું કે આગળ વધવાનો સમય આવી ગયો છે, તે સમયે મેં કોઈ તીખી પ્રતિક્રિયા આપી ન હતી. આ નિર્ણય મારો નહોતો. જેણે પણ આ નિર્ણય લીધો હશે, તેણે ટીમના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને જ લીધો હશે. તેઓએ નિર્ણય લીધો અને મને તેની જાણ કરી, તેથી મેં તેને સ્વીકારી લીધો. જ્યારે પહેલીવાર ટીમ સ્ક્વોડ સામે આવી અને મારું નામ તેમાં નહોતું, ત્યારે હું પરિસ્થિતિને શાંત કરવા માટે માત્ર સ્મિત કરી રહ્યો હતો.”

surya0.jpg

- Advertisement -

“ઘરે એકલા બેસીને ભવિષ્ય અંગે વિચારતો રહ્યો” પુનરાગમન માટે સખત મહેનત

સૂર્યાએ આગળ ઉમેર્યું કે આ નિર્ણય બાદ તેણે ઘરના ચાર દીવાલો વચ્ચે ખૂબ વિતાવ્યો. તેણે કહ્યું, “હા, T20 વર્લ્ડ કપ પછી મારી આઈપીએલ (IPL) સીઝન અપેક્ષા મુજબ સારી રહી ન હતી. પરંતુ ટીમમાંથી બહાર થયા બાદ હું ઘરે બેઠો હતો, ત્યારે મિત્રો અને પરિવારજનો ઘરે આવતા હતા. બધા કહેતા કે ચિંતા ન કરો, આ રમતનો એક ભાગ છે. પરંતુ એકવાર બધા સંબંધીઓ અને મિત્રો જતા રહે, પછી તમે ઘરમાં એકલા પડી જાવ છો.”

તે મુશ્કેલ સમયમાં વિશ્વ વિજેતા કેપ્ટનને પોતાના ભવિષ્ય અને રમતના અભિગમ પર ફરીથી વિચાર કરવાની ફરજ પડી હતી. જોકે, તમામ આઘાત અને નિરાશા છતાં 35 વર્ષીય સૂર્યકુમાર યાદવે હાર માની નથી. તે હાલમાં પોતાના ફિટનેસ અને ફોર્મ પર સખત મહેનત કરી રહ્યો છે અને વહેલી તકે ભારતીય ટીમમાં વાપસી કરીને ફરી એકવાર પોતાની બેટિંગનો જાદુ બતાવવા માટે દ્રઢ સંકલ્પબદ્ધ છે.

Share This Article