સહકારી ક્ષેત્રમાં ખળભળાટ: સુરતની સુમુલ ડેરીના ઈતિહાસમાં પહેલી વાર કસ્ટોડીયનની નિમણૂંક, તમામ ડિરેક્ટરોની હકાલપટ્ટી કરતી ગુજરાત સરકાર
7 હજાર કરોડ રુપિયાનું ટર્નઓવર અને 2 લાખ પશુપાલકો ધરાવતી સુરતની સુમુલ ડેરી વિવાદોમાં ઘેરાયા બાદ ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી કસ્ટોડીયનની નિમણૂંક કરતાં સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.
સુમુલ ડેરીનાં વહીવટને લઈ પાછલા કેટલાક વખત ભાજપનાં બે જૂથો વચ્ચે મોટાપાયા પર ખટરાગ ઉભો થવા પામ્યો હતો. એકબીજા પર આરોપ અને પ્રત્યારોપની વણઝાર ચાલી હતી. બોર્ડ મીટીંગના ઓડિયો વાયરલ કરવાને લઈ ડિરેક્ટરોની સામે સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ સુદ્વાં કરવામાં આવી હતી અને ડિરેક્ટોરની પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક વિવાદો ભીતરમાં ચાલી રહ્યા હતા અને ખુદ ડિરેક્ટરો એકબીજા પર આરોપ કરતાં પત્રો પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી સહિત સહકારી રજિસ્ટ્રારને કરતાં આવ્યા હતા.
ભાજપનાં અંદરો-અંદર બાખડતા સહકારી ક્ષેત્રનાં બે જૂથોની વરવી જૂથબંધી અને ગંભીર આક્ષેપોના પરિણામે છેવટે સુમુલ ડેરીમાં કસ્ટોડીયનની નિમણૂંક કરવામાં આવી હતી, કસ્ટોડીયન તરીકે રાજ્યના જોઇન્ટ રજિસ્ટ્રાર એચ.આર. પટેલની નિમણૂંક કરવામાં આવી છે અને તેમણે ચાર્જ સંભાળી પણ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે પ્રતિભાવ આપત કોંગ્રેસના પ્રદેશ મંત્રી
અને સહકારી આગેવાન દર્શન નાયકે જણાવ્યું કે સુમુલનાં 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂંક કરવામાં આવી છે, આ સુમુલના ઈતિહાસમાં કલંકિત ઘટના છે. બાજપનાં બે જૂથની લડાઈને લીધે સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થાનાં તમામ ડિરેકટરોને દૂર કરવામાં આવ્યા છે. સુમુલનાં 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કસ્ટોડિયનની નિમણૂક કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ આવનાર દિવસોમાં સુમુલ ડેરીની ચૂંટણી આવી રહી છે અને તેના અનુસંધાનમાં ભાખડી રહેલા બન્ને જૂથોને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા કસ્ટોડીયનની નિમણંૂ કરવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.