પાકિસ્તાન ક્રિકેટમાં ભારે વિવાદ: જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદની કરી સખત ટીકા, કહ્યું- “અરીસામાં જોવાની જરૂર છે”
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પ્રથમ બે ટેસ્ટ મેચોમાં શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટમાં મોટો વિવાદ ઊભો થયો છે. ટેસ્ટ શ્રેણી વચ્ચેથી જ સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરીને સ્વદેશ પરત મોકલી દેવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના આઘાતજનક નિર્ણયથી ક્રિકેટ જગત આશ્ચર્યચકિત થઈ ગયું છે. આ પરિસ્થિતિ બાદ પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ જેસન ગિલેસ્પીએ PCB અને ચીફ સેલેક્ટર આકિબ જાવેદ સામે મોરચો ખોલ્યો છે. ગિલેસ્પીએ આ નિર્ણયની સખત શબ્દોમાં ટીકા કરતા જણાવ્યું છે કે આકિબ જાવેદે બીજા પર દોષ ઘોળવાને બદલે અરીસામાં પોતાનો ચહેરો જોવાની જરૂર છે.
ખેલાડીઓ ડરના વાતાવરણમાં રમી રહ્યા છે: ગિલેસ્પી
પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલી ઉથલપાથલ અંગે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર અને ૨૦૨૪ માં આઠ મહિના સુધી પાકિસ્તાનના મુખ્ય કોચ રહી ચૂકેલા જેસન ગિલેસ્પીએ ‘ધ ઓસ્ટ્રેલિયન’ અખબાર સાથેની વાતચીતમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ૨-૧ થી ટેસ્ટ શ્રેણી જીતનાર ગિલેસ્પીએ ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું, “મને પાકિસ્તાની ખેલાડીઓ માટે ખૂબ જ ખરાબ લાગે છે, કારણ કે આ ક્રિકેટ તેમની આજીવિકા છે. બહારથી જોતા એવું સ્પષ્ટ દેખાય છે કે ખેલાડીઓ સતત ડરના માહોલમાં રમી રહ્યા છે.”

ગિલેસ્પીએ પસંદગી પ્રક્રિયા પર સવાલો ઉઠાવતા એક ઉદાહરણ આપ્યું કે, “સલમાન અલી આગા ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરે છે, બીજી ટેસ્ટમાં તેને પ્લેઇંગ-૧૧ માંથી બહાર કરી દેવાય છે, અને ત્રીજી ટેસ્ટ શરૂ થાય તે પહેલાં જ તેને વિમાનમાં બેસાડીને ઘરે મોકલી દેવામાં આવે છે! આ કેવા પ્રકારનું મેનેજમેન્ટ છે? આ સમગ્ર પરિસ્થિતિ માટે પસંદગીકારોના અધ્યક્ષ આકિબ જાવેદ સીધા જવાબદાર છે.”
ટ્રાઉઝર બદલે તેમ વિચારો બદલાય છે: આકિબ જાવેદ પર આકરા પ્રહાર
ચીફ સેલેક્ટર આકિબ જાવેદની કામગીરી અને વ્યૂહરચના પર પ્રહાર કરતા ગિલેસ્પીએ તીખો કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું કે, “માણસ જેટલી વાર પોતાના ટ્રાઉઝર બદલે છે, તેટલી વાર આકિબ જાવેદ પોતાના વિચારો અને નિર્ણયો બદલી નાખે છે. ટીમ પસંદગીને લઈને તેમની પાસે કોઈ લાંબા ગાળાની વ્યૂહરચના કે આયોજન નથી.”
નોંધનીય છે કે આકિબ જાવેદે અગાઉ પાકિસ્તાન ટીમની વર્તમાન ખરાબ સ્થિતિ માટે જેસન ગિલેસ્પી અને પૂર્વ મર્યાદિત ઓવરોના કોચ ગેરી કર્સ્ટનને જવાબદાર ઠેરવ્યા હતા. આ આરોપોનો વળતો પ્રહાર કરતા ગિલેસ્પીએ ઉમેર્યું, “આકિબ છેલ્લા બે વર્ષથી પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે. જે સમયગાળામાં તેઓ પોતે ટીમ સાથે હતા પણ નહીં, તેના માટે પણ તેઓ અમારો વાંક કાઢી રહ્યા છે. આ વાતનો કોઈ અર્થ સરતો નથી. મને લાગે છે કે આકિબ જાવેદે બીજા પર આંગળી ઉઠાવતા પહેલા અરીસામાં પોતાને સારી રીતે જોવાની જરૂર છે.”
અચાનક બદલાવથી ખેલાડીઓનું મોટું અપમાન
લોર્ડ્સ ખાતે રમાયેલી મેચમાં હાર બાદ PCB એ માત્ર સાત ખેલાડીઓને જ પાછા નથી બોલાવ્યા, પરંતુ મુખ્ય કોચ સરફરાઝ અહેમદ અને બોલિંગ કોચ ઉમર ગુલને પણ તેમના પદ પરથી હટાવી દીધા છે.

ગિલેસ્પીએ આ નિર્ણયથી ખેલાડીઓ પર પડતી માનસિક અસર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, જે ખેલાડીઓને પ્રવાસની વચ્ચેથી બહાર ફેંકી દેવામાં આવ્યા, તેમને આ વાતની જાણ બોર્ડ દ્વારા સીધી કરવાને બદલે પોતાના પરિવાર, મિત્રો અને સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. કોઈ પણ આંતરરાષ્ટ્રીય ખેલાડી માટે આનાથી વધુ અપમાનજનક સ્થિતિ બીજી કોઈ ન હોઈ શકે. પાકિસ્તાન ક્રિકેટમાં અત્યારે જે પ્રકારનું અસ્થિર વાતાવરણ ઊભું થયું છે, તેનાથી ટીમનું ભવિષ્ય વધુ જોખમમાં મુકાઈ રહ્યું છે.
