Hanuman Ansh દર્શકોના ભારે પ્રતિસાદ વચ્ચે ‘હનુમાન અંશ’ બ્લોકબસ્ટર: ચોથા સપ્તાહમાં જ કરી ₹૬૧ કરોડની કમાણી
Hanuman Ansh ભારતીય સિનેમામાં અવારનવાર એવી ફિલ્મો આવતી હોય છે જે કોઈપણ મોટા પ્રમોશન કે ભવ્ય પબ્લિસિટી વગર બોક્સ ઓફિસ પર પ્રવેશ કરે છે અને માત્ર પોતાના દમદાર વિષયવસ્તુના જોરે ઈતિહાસ રચે છે. આવી જ એક ચમત્કારિક સફર હાલમાં ફિલ્મ ‘હનુમાન અંશ’ ની જોવા મળી રહી છે. રીલિઝના ૩૦મા દિવસે આ ફિલ્મે પોતાની કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને ચાહકો સહિત સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આશ્ચર્યચકિત કરી દીધી છે. દિન-પ્રતિદિન વધતી લોકપ્રિયતા સાથે આ ફિલ્મ હવે બોક્સ ઓફિસ પર એક મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ ચૂકી છે.
૩૦મા દિવસે રેકોર્ડબ્રેક કમાણી અને ઓક્યુપન્સી
Hanuman Ansh સિનેમાજગતના બોક્સ ઓફિસ આંકડા ટ્રેક કરતી સત્તાવાર વેબસાઈટ SacNilk ના તાજેતરના અહેવાલ અનુસાર, ‘હનુમાન અંશ’ ફિલ્મે પોતાના રિલીઝના ૩૦મા દિવસે અકલ્પનીય રીતે ₹૧૬.૨૫ કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ કલેક્શન ફિલ્મની અત્યાર સુધીની એક દિવસની સૌથી વધુ કમાણી છે. આ દિવસે દેશભરમાં આ ફિલ્મના લગભગ ૬,૦૫૫ શો ચલાવવામાં આવ્યા હતા, જેમાં થીયેટરોમાં ૬૨% જેટલી ઊંચી ઓક્યુપન્સી નોંધાઈ હતી.
આ સાથે જ ફિલ્મનું કુલ ભારતીય નેટ કલેક્શન ₹૯૯.૧૩ કરોડ સુધી પહોંચી ગયું છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે ફિલ્મ પોતાના ૩૧મા દિવસે ખુબ જ સરળતાથી ₹૧૦૦ કરોડનો મોટો આંકડો પાર કરી લેશે. નોંધનીય છે કે ફિલ્મનું ગ્રોસ વર્લ્ડવાઈડ કલેક્શન ઓલરેડી ₹૧૧૭.૨૭ કરોડની આસપાસ પહોંચી ગયું છે.
૧૦ લાખની શરૂઆતથી ૧૦૦ કરોડ સુધીની અકલ્પનીય સફર
‘હનુમાન અંશ’ ની સફર બોક્સ ઓફિસ માટે એક મોટો અભ્યાસ બની ગઈ છે. આ ફિલ્મ કોઈપણ જાતના મોટા સ્ટારડમ કે માર્કેટિંગ પ્રમોશન વગર થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મનો પહેલો દિવસ અત્યંત ધીમો રહ્યો હતો અને તેણે માત્ર ₹૧૦ લાખની નજીવી કમાણી સાથે ખાતું ખોલ્યું હતું. પ્રથમ અઠવાડિયાના અંતે ફિલ્મે રૂ. ૧.૦૮ કરોડ એકઠા કર્યા હતા.

બીજા અઠવાડિયામાં પરિસ્થિતિ વધુ પડકારજનક બની હતી, જ્યારે શોની સંખ્યા ઘટીને માત્ર ૩૦ થઈ ગઈ હતી અને ફિલ્મે બીજા સપ્તાહમાં માત્ર ₹૪૦ લાખની કમાણી કરી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ફિલ્મ થિયેટરોમાંથી ગાયબ થઈ જશે, પરંતુ ત્રીજા અઠવાડિયાથી દર્શકોની સકારાત્મક ‘ઓફ-માઉથ પબ્લિસિટી’ (વોર્ડ ઓફ માઉથ) એ અદ્ભુત જાદુ કર્યો.
ચોથા અઠવાડિયે કમાણીમાં આવ્યો અભૂતપૂર્વ ઉછાળો
ત્રીજા અઠવાડિયાથી ફિલ્મ જોવા ગયેલા દર્શકોના ઉત્સાહજનક રિવ્યુઝ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. પરિણામે, ત્રીજા અઠવાડિયામાં જ ફિલ્મે સીધો ઉછાળો મારીને ₹૧૦.૪૦ કરોડની શાનદાર કમાણી કરી લીધી. થિયેટર માલિકોએ તાત્કાલિક અસરથી શોની સંખ્યામાં વધારો કરવો પડ્યો હતો.
ત્યારબાદ ચોથા અઠવાડિયે તો આ ફિલ્મે કમાણીના તમામ સરહદો વટાવી દીધી. ચોથા સપ્તાહમાં ફિલ્મે કુલ ₹૬૧ કરોડનું જંગી કલેક્શન કર્યું. ખાસ કરીને ૨૯મા દિવસે ₹૧૦ કરોડ અને ૩૦મા દિવસે ₹૧૬.૨૫ કરોડની કમાણી કરીને ફિલ્મે એ વાત સાબિત કરી દીધી છે કે જો વાર્તામાં દમ હોય તો દર્શકો ફિલ્મને ક્યારેય નિષ્ફળ જવા દેતા નથી.
