જાગ્યા પછી પણ ચક્કર અને સુસ્તી: જાણો રાત્રે બાથરૂમ જતી વખતે કેમ બગડે છે વૃદ્ધોનું સંતુલન?
આજના આધુનિક, ઝડપી અને માનસિક તણાવથી ભરેલા યુગમાં અનિદ્રા (Sleep Disorders) અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આવી પરિસ્થિતિમાં ઊંઘ લાવવા કે મનને શાંત કરવા માટે ઊંઘની ગોળીઓ (Sleeping Pills) અને એન્ટી-ડિપ્રેશન્ટ દવાઓનો ઉપયોગ મોટા પાયે થાય છે. જોકે, તબીબી નિષ્ણાતો અને સંશોધકોના મતે, આ દવાઓ યુવાનોની સરખામણીએ વૃદ્ધો માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. તાજેતરમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કો (UCSF) ના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા એક વિગતવાર અભ્યાસમાં સામે આવ્યું છે કે ઊંઘ અને ડિપ્રેશનની નિયમિત દવાઓ લેતા વૃદ્ધોમાં અચાનક પડી જવાનું અને ગંભીર ઈજાઓ થવાનું જોખમ અનેક ગણું વધી જાય છે.
ઉંમર વધવાની સાથે માનવ શરીરમાં અનેક જૈવિક અને શારીરિક ફેરફારો થતા હોય છે. આ સમયગાળા દરમિયાન માનસિક અસ્વસ્થતા, એકલતા કે હોર્મોનલ ફેરફારોને લીધે ઊંઘ ન આવવી અને હતાશા અનુભવાવી સામાન્ય બાબત છે. આવા લક્ષણોથી રાહત મેળવવા ડોક્ટરો ઘણીવાર ચોક્કસ દવાઓ લખી આપે છે. પરંતુ આ દવાઓની અસર દરેક વ્યક્તિના શરીર પર એકસરખી થતી નથી. ખાસ કરીને વૃદ્ધ વયસ્કોમાં આ ગોળીઓ લેવાથી વધુ પડતી સુસ્તી, ચક્કર આવવા, નબળાઈ લાગવી કે ચાલતી વખતે સંતુલન ગુમાવવાની સમસ્યાઓ ઊભી થાય છે, જે આખરે પડી જવાના અકસ્માતમાં પરિણમે છે.
દવા લીધા પછી પડી જવાનું જોખમ કેમ વધી જાય છે?
તબીબી વિજ્ઞાન મુજબ, કેટલીક ઊંઘની ગોળીઓ કેન્દ્રીય ચેતાતંત્રને શાંત કરીને ઊંઘ લાવવાનું કામ કરે છે. પરંતુ રાત્રે લીધેલી ગોળીની અસર સવારે ઉઠ્યા પછી પણ લાંબા સમય સુધી મગજ પર ચાલુ રહે છે. પરિણામે, જાગ્યા પછી પણ સવારે વૃદ્ધો સુસ્તી, ચક્કર અથવા પગમાં અશક્તિ અનુભવે છે. ખાસ કરીને રાત્રિના સમયે જ્યારે અચાનક બાથરૂમ જવા માટે ઉઠવાનું થાય છે, ત્યારે અંધારામાં કે ઝાંખા પ્રકાશમાં શરીરનું સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે અને વ્યક્તિ નીચે પડી જાય છે.
વધુમાં, જેમે જેમ વ્યક્તિની ઉંમર વધે છે, તેમ તેમ તેનું લિવર અને કિડની દવાઓને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા (Metabolism) ધીમી કરી દે છે. આ કારણોસર, દવાના ઘટકો વૃદ્ધોના લોહીમાં લાંબા સમય સુધી સક્રિય રહે છે. જો કોઈ વ્યક્તિ એક કરતાં વધુ રોગો માટે બહુવિધ દવાઓ (Multiple Medications) લેતી હોય, તો આ જોખમ બેવડાઈ જાય છે.
ડોક્ટરની સલાહ વગર દવા બંધ ન કરવાની કડક ચેતવણી
જોકે, સંશોધકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ અભ્યાસનો હેતુ ડર ફેલાવવાનો નથી. દરેક વૃદ્ધ વ્યક્તિ જે આ દવાઓ લે છે તે પડી જ જશે તેવું જરૂરી નથી, કારણ કે દવાની અસર વ્યક્તિની ઉંમર, શરીરનું બંધારણ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પર આધાર રાખે છે.
સૌથી મહત્વની બાબત એ છે કે જો પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ ઊંઘ કે ડિપ્રેશનની દવા લેતી હોય, તો તેમણે ડોક્ટરની સલાહ લીધા વિના જાતે જ દવા લેવાનું બંધ કરવું જોઈએ નહીં કે તેનો ડોઝ ઘટાડવો-વધારો કરવો જોઈએ નહીં. અચાનક દવા બંધ કરવાથી વિથડ્રોઅલ સિમ્પ્ટમ્સ (Withdrawal Symptoms) અથવા અનિદ્રાની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
પરિવારજનો માટે જરૂરી સાવચેતી અને કુદરતી ઉપાયો
વૃદ્ધોને આ જોખમથી બચાવવા માટે પરિવારના સભ્યોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો દવા લીધા પછી વૃદ્ધોને વધુ પડતા ચક્કર આવે કે ચાલવામાં તકલીફ પડે, તો તરત જ તબીબનો સંપર્ક કરવો જોઈએ. ઘરમાં રાત્રિના સમયે પૂરતા પ્રકાશની વ્યવસ્થા રાખવી, ફ્લોર પર પાણી કે વસ્તુઓ ન રાખવી અને બાથરૂમમાં સપોર્ટ બાર લગાવવા જેવા ફેરફારો કરવા જોઈએ.
આ ઉપરાંત, ડોક્ટરો સલાહ આપે છે કે માત્ર ગોળીઓ પર આધાર રાખવાને બદલે નિયમિત હળવી કસરત, પ્રાણાયામ, ધ્યાન અને સ્લીપ હાઇજીન (નિયમિત સમયે ઊંઘવાની ટેવ) જેવા કુદરતી માર્ગો અપનાવીને ઊંઘની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
