દાણચોરી:દુબઈથી અમદાવાદ આવેલા બે મુસાફરોની 12 લાખના સોના સાથે ધરપકડ
બંને મુસાફરોની શંકાસ્પદ હિલચાલ દેખાતા કસ્ટમ અધિકારીને તેમની પર શંકા ગઈ.
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની સાથે સાથે હાલમાં દુબઈ એક્સ્પોના કારણે ભારતથી દુબઈની ફ્લાઈટો શરૂ કરી દેવામાં આવી છે તેથી દાણચોરો પણ હવે એકટીવ થઈ ગયાં છે. અમદાવાદ એરપોર્ટ પર હવે મુસાફરોની સંખ્યા વઘતી રહી છે. બીજી તરફ એરપોર્ટ ફરી વાર જગમગાતું જોવા મળે છે.એની સાથે દાણચોરીની ઘટનાઓ પણ વધવા લાગી છે. દુબઈથી આવેલા અમદાવાદમાં બે મુસાફરોને 12 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે. જ્યારે કુવૈતથી આવેલા એક મુસાફરને સોનાની દાણચોરીના ગુનામાં પકડ્યો છે.

કસ્ટમ અધિકારીઓને મુસાફરો પર શંકા હતી

સોનાની દાણચોરીના કેસમાં દુબઈથી બે મુસાફરોની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. બંને મુસાફરોએ ઇમિગ્રેશન વખતે તેમના પાસપોર્ટ સ્કેન કર્યા અને પોતાનો સામાન લેવા માટે કન્વેયર બેલ્ટ તરફ આગળ વધ્યા. જ્યારે આ બે મુસાફરોની શંકાસ્પદ હિલચાલ જોવા મળી, કસ્ટમ અધિકારીઓને શંકા ગઈ હતી. કસ્ટમ તરફ જઈ રહેલા બંને મુસાફરોને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.
બુટમાં છુપાવેલ સોનાના બે નંગ કડા મળ્યા
આ દરમિયાન તેમના લગેજ ખોલીને ચેક કરવામાં આવ્યું પર તેમાંથી કશું નીકળ્યું ન હતું .પણ તેમને મેટલ ડિટેક્ટરથી ચેક કરતાં જ બીપ અવાજ આવ્યો હતો જેથી તેમણે કંઈક છુપાવ્યું છે એવું જણાવતા તેમણે ઈનકાર કર્યો હતો. બંને મુસાફરોની શંકાસ્પદ વર્તનને કારણે વધુ તપાસ કરવામાં આવતાં કપડાંની અંદર અને બુટમાં છુપાવેલા સોનાના બે નંગ કડા મળ્યા હતા.આ જોઈને કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ગયાં હતાં.

ભારતીય બજારમાં સોનાની કિંમત આશરે 12 લાખ રૂપિયા જેવી થાય છે.
આ બે નંગ સોનાના કડાની કિંમત કસ્ટમ અધિકારીએ જણાવ્યા મુજબ ભારતીય બજારમાં તેની કિંમત 12 લાખની થવા જાય છે. કસ્ટમના નિયમ મુજબ મેલ પ્રવાસી 20 હજાર અને ફિમેલ પ્રવાસી 40 હજારનું સોનું લાવી શકે છે. તે પણ જ્વેલરી ફર્મમાં હોવું જોઈએ. કસ્ટમમાં ડિક્લેરેશન ફોર્મ પણ ભરવું પડે છે. વિદેશમાં એક વર્ષનું ફરજિયાત રહેવાસી હોવુ જોઈએ તે બંને મુસાફરોએ દાણચોરીના ઈરાદાથી સોનું ભારતમાં લાવ્યું હતું. આ સોનું કોને ડિલિવર કરવાનું હતું તે દિશામાં કસ્ટમ વિભાગ વધુ તપાસ કરી રહ્યા છે.
