ફાંકાનગર નામ ના એક ગામ માં રહેતા ફાંકા ફોજદાર ની આ વાત છે .. સુખે થી જીવતા આ ફોજદાર ના જીવન માં અચાનક એક પરિવર્તન આવ્યું. ફાંકા ફોજદારે ઘોષના કરી કે આજ પછી ઘર માં તમામ સ્થળે તેમના ફોટા મુકવા માં આવશે. કોઈ પણ કામ થતું હોય તો તેમાં તેમના ફોટા મુકવા માં આવશે. ફાંકા ફોજદાર વગર ચાલશે પણ તેમના ફોટા વગર નહિ ચાલે. ફાંકા ફોજદાર ની આ જીદ પાછળ નું કારણ એ હતું કે કૈક આવું જ એમના રાજ્ય ના રાજા પણ કરી રહ્યા હતા. રાજા આખાય રાજ્ય માં પોતાના ફોટા ચોંટાડાતા હતા એટલે ફાંકાભાઈએ નક્કી કર્યું કે એ આખા રાજ્ય નો રાજા તો હું મારા ઘર નો રાજા. એક રાજા એ બીજો રાજા કરે એવું જ આચરણ કરવું જોઈએ, અને પછી શરુ થઇ ઉપાઘી. ફાંકાભાઈ નું ચોક્કસ પણે એવું માનવું હતું કે ઘર માં કઈ પણ થાય તો તેમાં તેમનો હાથ કે પગ હોય કે ના હોય, એમાં એમનો ફોટો જરૂર હોવો જોઈએ. પરિણામે જે થયું એ વાંચો ત્યારે:
સૌથી પહેલી આવી ‘ગરીબ કલ્યાણ મેળા યોજના’
ફાંકાભાઈ એ તપાસ કરી તો ખબર પડી કે મોટો દીકરો રાજેશ આર્થિક રીતે જરા નબળો હતો. દર મહીને પૈસા ખૂટતા એટલે ઉછીના લઇ જતો. એટલે ફાંકાભાઈ એ નક્કી કર્યું કે આ તો ગરીબ કહેવાય. આપણા રાજા પણ રાજ્ય ના ગરીબો માટે કલ્યાણ મેળા કરે છે એટલે મારે પણ કરવા જોઈએ ..હવે જુવો બાપ દીકરા વચ્ચે નો સંવાદ :-
રાજેશ (મોટો દીકરો):- બાપુજી, આ મહીને પણ તમારે લગભગ રૂપિયા 10 હજાર ની મદદ કરાવી પડશે ..
ફાંકાભાઈ :- કેમ ..?
રાજેશ :- પગાર ટાઈમસર નથી થયો ..
ફાંકાભાઈ :- આપીશ પણ દર વખતે આપું છું તેમ નહિ આપું ..
રાજેશ :- તો કઈ રીતે આપશો ..?
ફાંકાભાઈ :- તારે દર મહીને મારી પાસે થી રૂપિયા લેવા ની જરૂર પડે છે ..
રાજેશ :- તો તમારી પાસે થી ના લઉં તો શું ગામ માં થી 10% ના વ્યાજે લઉં ..?
ફાંકાભાઈ :- તને 10% ના વ્યાજે પણ કોણ આપે ..? તું આ ઘર નો ગરીબ સભ્ય છો .. તારે કાયમ માટે મારી મદદ ની જરૂર પડે છે … પણ હું તને મદદ કરું છું એની ખબર કોઈ ને નથી પડતી .. એટલે હવે દર મહીને હું ગરીબ કલ્યાણ મેળો કરીશ. આખા ગામ ના મીડિયા ને બોલાવીને મારા ફોટા છપાવીશ. બેનર અને હોર્ડિંગ લગાવીશ. ભાટ ચારણ અને ગઢવી ને બોલાવીશને મારો જયજયકાર કરાવીશ અને આખાય ગામ ની હાજરી માં તને રૂપિયા 10 હજાર ની મદદ કરી ને તુજ ગરીબ નું કલ્યાણ કરીશ.
રાજેશ :- એ ડોસા …કઈ ડાગળી ચસકી ગઈ છે કે શું .. 10 હજાર રૂપૈડી આપવા માં આવા તમાશા કરવા છે .. પૈંડ ના દીકરા ની આબરૂ લઇ લેવી છે .. રાજા ના રવાડે ચડવું છે ..? તેલ પીવા ગયા તમારા 10 હજાર રૂપિયા .. હું મારું ફોડી લઈશ …આજ પછી તમારું ડાચું જોવે ઈ બે બાપ નો થાય ..
રાજેશ તો રણે ચડ્યો .. ફાંકાભાઈ ની ગરીબ કલ્યાણ મેળા ની યોજના પડી ભાંગી .. પણ એ કઈ હાર માને એવા નોતા … ભાઈ એ તો વિશ્વ પ્રતાપી એવા મહાન રાજા ના રવાડે ચડેલા હતા .. તેમને બીજી યોજના વિચારી ..:
‘કન્યા કેળવણી યોજના’
ફાંકા ભાઈ ના નાના દીકરા પ્રદીપ ની દીકરી હવે નિશાળે ભણવા મુકવા જેવડી થઇ ગઈ હતી .. એડમીશન લેવાઈ ગયું હતું .. પણ એમ કેમ ચાલે ..? ફાંકાભાઈ એ હુકમ કર્યો કે ‘કન્યા કેળવણી’ યોજના હેઠળ દીકરી ને ભણવા મુકવા માં આવશે.
હવે ફરી જુવો પ્રદીપ અને ફાંકાભાઈ વચ્ચે નો સંવાદ :
પ્રદીપ (નાનો દીકરો):- બાપુજી , ઢીંગલી નું એડમીશન લઇ લીધું છે. આવતી કાલે સવારે એને સારું મુરત જોઈ ને ગોળ દહીં ખવડાવી ને નિશાળે બેસાડી દઈએ.
ફાંકા ભાઈ :- નાં એમ નહિ .. આ તો ઘરની કન્યાની કેળવણીની વાત છે, એને નિશાળે બેસાડીએ તો ગામને ખબર તો પડાવી જોઈએ ને? એટલે હું આખા ગામ ના મીડિયા ને બોલાવીશ .. મારા ફોટા છપાવીશ .. બેનર અને હોર્ડિંગ લગાવીશ … ભાટ ચારણ અને ગઢવી ને બોલાવીશને મારો જયજયકાર કરાવીશ અને આખાય ગામ ની હાજરી માં હું જાહેર કરીશ કે ‘ કન્યા કેળવણી યોજના’ ના ભાગ રૂપે આ દીકરી ને ફાંકાભાઈ ફોજદાર નિશાળે ભણવા મૂકી રહ્યા છે.
પ્રદીપ:- એ ડોસા .. કઈ ડાગળી ચસકી ગઈ છે કે શું? પૈંડ ની દીકરી ને નિશાળે બેસાડે છે તે કઈ ઉપકાર કરે છે? શરમ નથી આવતી? તેલ પીવા ગઈ તમારી કન્યા કેળવણી યોજના. આજ પછી આડા ઉતર્યા તો જોવા જેવી થશે.
આમ કહીને પ્રદીપ તો ગયો પણ ફાંકાભાઈને એમ લાગ્યું કે પ્રદીપ “ઘર વિરોધી” થઇ ગયો છે. પણ હાર માને તે બીજા આ ફાંકા ફોજદાર નહિ. અરે ભાઈ તેઓ શ્રી તો આખરે મહાન પ્રતાપી અને વિશ્વ પ્રભાવી રાજા ના રવાડે ચડેલા હતા.એટલે એમને ત્રીજી યોજના નો અમલ કરવા નું નક્કી કર્યું.
વનબંધુ યોજના :
ફાન્કાભાઈ ને સરસ મજાની વાડી હતી .. વારસાગત મળી હતી. પણ પૂર્વજોના પ્રતાપે વાડી હતી લીલ્લી છમ.
વાડી ને સાચવવા એક માળી ને કુટુંબ સહીત રહેવા ની જગ્યા આપેલી. ફાંકાભાઈ ને થયું કે આ માળી મારી માલિકી ના વન માં રહે છે એટલે એ ‘વનબંધુ’ કહેવાય. એમણે માળી ને બોલાવ્યો ને પછી શું સંવાદ થયો? વાંચો જરા.
માળી:- રામ રામ ફાંકાભાઈ, બોલો સાહેબ શું કામ પડ્યું?
ફાંકા ભાઈ :- એલા પશા, આ હું તને મારી વાડી માં સપરિવાર રેવા દઉં છું. મારી વાડી ની દેખરેખ કરવા લોકોની લાઈન લાગે એમ છે પણ તારી ઉપર દયા ખાઈને આ એક જાતનો ઉપકાર જ કરું છું. પાછો ઉપર થી તને પગાર પણ આપું છું. અને ગામ ને તો એ ખબર જ નહિ કે હું કેવું મોટું પરોપકારનું કામ કરું છું. મારી કઈ કદર જ થતી નથી. આ નહિ ચાલે. હવે પછી આખા ગામ ના મીડિયા ને બોલાવીશ .. મારા ફોટા છપાવીશ .. બેનર અને હોર્ડિંગ લગાવીશ … ભાટ ચારણ અને ગઢવી ને બોલાવીશને મારો જયજયકાર કરાવીશ અને આખાય ગામ ની હાજરી માં “વનબંધુ” યોજના હેઠળ તને તારો પગાર આપીશ.
માળી :- એ ડોસા .. કઈ ડાગળી ચસકી ગઈ છે કે શું ..? મફત માં પગાર આપસ ..? અડધી જીંદગી તો આ તારી વાડી નું ધ્યાન રાખવા માં જતી રહી .. તારા જેવો જુઠ્ઠો, ઢોંગી અને ફાન્કોડી માણસ મેં જીંદગી માં નથી જોયો .. હાલાતીનો થા ભાઈ .. તું જાણ ને તારી વાડી જાને .. હું આ હાલ્યો ..
ફાંકાભાઈ ને લાગ્યું કે સાલું આ માળી તો અહેસાન ફરામોશ નીકળ્યો … પણ વાંધો નહિ … હું પણ મારા ઘર નો રાજા છું ..એટલે ધાર્યું કરી ને જ રહીશ.
પરિણામે ફાંકા ભાઈ એ નકી કર્યું કે દીકરી પ્રગતિ ના લગ્ન માં ‘કુવર બાઈ નું મામેરું’ યોજના નો અમલ કરવો. ફાંકા ફોજદારે પોતાની દીકરી પ્રગતિ અને થનાર જમાઈ “વિકાસ” ઉપરાંત થનાર વેવાઈ ને બોલાવ્યા .. પછી જે સંવાદ થયો તે જુવો :-
ફાંકાભાઈ :- (આદેશ ના સુરમાં) મારી દીકરી પ્રગતિ ના લગ્ન તમારા દીકરા વિકાસ સાથે થાય પણ શરત એક જ છે .. આ લગ્ન ને હું ‘કુવાર બાઈ નું મામેરું ‘ યોજના હેઠળ કરાવીશ .. કંકોતરી માં મારા ફોટા છપાવીશ ..આખા ગામ ના મીડિયા ને બોલાવીશ .. મારા ફોટા છપાવીશ .. બેનર અને હોર્ડિંગ લગાવીશ … ભાટ ચારણ અને ગઢવી ને બોલાવીશને મારો જયજયકાર કરાવીશ અને આખાય ગામ ની હાજરી માં પ્રગતિ ના લગ્ન વિકાસ સાથે કરાવીશ.
(આ સાંભળી ને “વિકાસ” વસુકી ગયો બિચારો .. પ્રગતિ ને આખી દુનિયા ની દુર્ગતિ થતી જણાઈ .. થનારા વેવાઈ તો વંડી ટપી ને વન્જો થઇ ગયા …)
પ્રગતિ:- (માંડ માંડ સુધ બુધ પ્રાપ્ત કાર્ય પછી) એ બાપા .. કઈ ડાગળી ચસકી ગઈ છે કે શું? મારા લગન માં મામેરું તો મારા મામા કરે .. બાપ થઇ ને મામેરું કરવું છે … કઈ ઉપલો માળ સાવ ખાલી થઇ ગયો છે કે શું ..? આ ઓલા રાજા ના રવાડે ચડ્યા છો પણ કઈ અક્કલ છે કે વેચી ખાધી છે કે ..? લગન મારા ને કંકોતરી માં ફોટા તમારા ..? (પ્રગતિ એ વિકાસ નો હાથ પકડ્યો ને ફાંકા ભાઈ ફોજદાર ના દેખતા જ કોર્ટ માં જઈ ને સિવિલ મેરેજ કરી આવી.
બિચારા ફાંકા ભાઈ ફરી એક વાર મોળા પડી ગયા .. પણ હાર માને એ બીજા ફાંકા ભાઈ તો નહિ જ .. આખરે મહા પ્રતાપી , વિશ્વ પ્રભાવી એવા રાજા ના રવાડે ચડેલા હતા .. એટલે એમને નક્કી કર્યું કે ગમે તે થાય હું મારા ફોટા તો બધી જગ્યાએ ચોટાડી ને જ રહીશ ..
હવે ફાંકા ભાઈ ની નજર બાપ દાદા એ બંધાવેલા આલીશાન મહેલ પર પડી .. મહેલ પહલે થી જ ભવ્ય હતો .. પણ એ તો પૂર્વજો એ બંધાવેલો હતો .. એટલે ફાંકા ભાઈ એ એમાં થોડું સમાર કામ અને થોડું રંગ રોગાન કરાવ્યું .. મહેલ ની અંદર પૂર્વજો ના પણ ફોટાઓ લાગેલા હતા .. તેને ઉતરાવી દીધા .. તેની જગ્યા એ ફાંકા ભાઈ એ પોતાના ફોટા લગાવ્યા .. એટલે સુધી કે સાલ્લુ સંડાસ અને બાથ રૂમ માં પણ ફાંકા ભાઈ ફોટા સ્વરૂપે બિરાજમાન થયા .. આવું એટલા માટે કર્યું કે ભાઈ મહેલ ભલે ને પૂર્વજો એ બનાવ્યો હતો પણ તેની કાયાપલટ તો ફાંકા ભાઈ એ કરી ને .. તો પછી બાપ દાદાઓ ના ફોટા ને શું ધોઈ પીવા છે ભાઈ ..?
પણ મિત્રો, પૂર્વજો નો આત્મા કકળી ઉઠ્યો … પિતૃઓ નો પ્રકોપ ફાટી નીકળ્યો .. આખો મહેલ જાને ગુસ્સા માં ધૂણી ઉઠ્યો .. આખા મહેલ માં લાગેલા ફાંકા ફોજદાર ના ફોટાઓ ધરાશાઈ થયા .. ફાંકા ભાઈ ના પરિવાર જનો એ પણ સેંકડો ફોટા સાથે ફાંકા ભાઈ ને ઘર ની બાર તગેડી મુક્યા ..
હવે ફાંકા ભાઈ માટે યક્ષ પ્રશ્ન ઉભો થયો છે સાલું જે અતિ મહાન અને વિશ્વ પ્રભાવી રાજા ની વાદે વાદે ચડી ને તેમને આ જોખમ લીધું તે રાજા ને તો પાંચેય આંગળી ઘી માં છે .. તેની સામે હરામ બરાબર જો કોઈ ઉંચો અવાજ કરતુ હોય તો .. તો પછી તેમની હાલત કફોડી કેમ કરી ને થઇ ગઈ .. હવે ફાંકા ભાઈ ને કોણ સમજાવે કે આ કઈ એ વિશ્વ ના અતિ મહાન અને પ્રભાવી રાજા ની વાર્તા થોડી છે .. આ તો ફાંકા ફોજદાર ની વાર્તા છે .. અને વાર્તા ની મજા એ છે કે જે હકીકત માં ના થતું હોય તે વાર્તા માં તો થઇ શકે ને ભાઈ … હું માનું છું કે તમને તો સમજ પડી જ ગઈ છે પણ લાગે છે કે ફાંકા ફોજદાર ને હજુ ય નથી પડી એટલે તમને હિંમત હર્ય વગર અમારા વાંકાનેર ના ગઢિયા ના જંગલ માં આવેલી એક લીલુડી ટેકરી પર અડીંગો જમાવ્યો છે .. એના માટે આ ટેકરી એ જ તેનો હિમાલય પર્વત છે .. અને સાંભળવા માં આવ્યું છે કે એ જંગલ માં પોતાના ફોટાઓ નું એક અતિ ભવ્ય પ્રદર્શન યોજવા ની ફાંકા ભાઈ ની તૈયારીઓ ચાલી રહી છે .. કારણ કે હજુ જંગલ ના પ્રાણીઓ એ ફાંકા ભાઈ ના ફોટા ક્યાં જોયા છે ..? અને અહી કદાચ ફાંકા ભાઈ એમ બોલે કે આખા ગામ ના મીડિયા ને બોલાવીશ .. મારા ફોટા છપાવીશ .. બેનર અને હોર્ડિંગ લગાવીશ … ભાટ ચારણ અને ગઢવી ને બોલાવીશ …મારો જયજયકાર કરાવીશ અને આખાય ગામ ની હાજરી માં મારા ફોટા નું પ્રદર્શન ખુલ્લું મુકીશ .. તો મારા ભાઈ આ જંગલ માં કોને ફેર પડે છે …