Surat ઈમ્તિયાઝ સદ્દામ ,સાહિલ ગોડીલની જામીન અરજી થઈ છે નામંજુર
એક પછી એક ખંડણીની ફરિયાદો થયા બાદ રાંદેર રોડનાં કુખ્યાત અને આર્થિક માફિયા ઈમ્તિયાઝ સદ્દામ અને તેના ભાઈ ફૈઝલ સદ્દામ સહિત સાહિલ ગોડીલ સામે ઉપરાછાપરી ફરિયાદો થતાં હવે પકડાયેલા ઈમ્તિયાઝ અને સાહિલ ગોડીલનું જેલમાંથી બહાર આવવાનું સ્વપ્ન હવે સ્વપ્ન જ બની રહેશે. સાથે જ ફરિયાદોનો ખડકલો થતાં દુબઈ ભાગી છૂટેલા ઈમ્તિયાઝ સદ્દામના ભાઈ ફૈઝલ સદ્દામ સામે તપાસનાં ગાળિયાને વધુ મજબૂત કરવાની દિશામાં સુરત પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે કુખ્યાત ઈમ્તિયાઝ સદ્દામ અને સાહિલ ગોડીલની જામીન અરજીને સુરતની કોર્ટે નામંજુર કરી દીધી હતી.
મળતી માહિતી મુજબ હાલમાં ફૈઝલ સદ્દામ ખંડણી કેસોમાં ફરાર છે અને એવું કહેવાય છે કે તે મોટાભાગે દુબઈ ભાગી ગયો હોવાની શક્યતા છે. ફૈઝલ સદ્દામની પાસે દુબઈની આઈડી છે અને આ આઈડી દ્વારા તે ગમે ત્યારે ભારત અને દુબઈ વચ્ચે આંટાફેરા મારી શકે છે. આ આઈડી દુબઈમાં કોઈ વ્યક્તિ કંપની સ્થાપે છે ત્યારે તેને આપવામાં આવે છે અને બે વર્ષ સુધી એ વ્યક્તિ ગમે ત્યારે દુબઈ આવન-જાવન કરી શકે છે અને વારંવાર વિઝા મેળવવાની ઝંઝટમાંથી બે વર્ષ માટે મૂક્ત થઈ જાય છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફૈઝલ સદ્દામે પણ દુબઈમાં કંપની ખોલી હોવાનાં ઓથા હેઠળ આઈડી મેળવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને આવા પ્રકારની આઈડી બનાવી તેનો ગેરલાભ લઈને તે દુબઈ ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળે છે. મોટામાં મોટો સવાલ એ છે કે દુબઈમાં એવો ક્યો ધંધો ચાલે છે કે ફૈઝલ સદ્દામ વૈભવી અને આલિશાન લાઈફ સ્ટાઈલમાં દુબઈમાં રહી રહ્યો છે? શું ત્યાં એનાં કોઈ મળતીયા કે અન્ય ગોડફાધર પણ છેj? દુબઈમાં તેને કોણ આશ્રય આપી રહ્યો છે? સુરતનાં ક્યા-ક્યા આર્થિક માફિયાઓનાં સંપર્કમાં ફૈઝલ સદ્દામ છે તેની પણ તપાસ કરવામાં સુરત પોલીસ કોઈ કચાશ રાખવાના મૂડમાં નથી. સુરત પોલીસ તળિયાઝાટક તપાસ કરવાની દિશમાં પ્રયત્નશીલ બની છે.
તમને જણાવી દઈએ કે “સત્ય ડે” દ્વારા સતતને સતત સુરતના આર્થિક માફિયાઓ સામે અહેવાલો પ્રસિદ્વ કરવામાં આવી રહ્યા છે અને તેના પડઘા પોલીસ તપાસથી લઈ સમગ્ર સુરતમાં પડી રહ્યા છે. “સત્ય ડે” આવનાર દિવસોમાં આ આર્થિક માફિયાઓના કાળા ચિઠ્ઠાને બહાર પાડવા માટે વધુને વધુ સ્ફોટક અહેવાલો પ્રસિદ્વ કરતું રહેશે અને આર્થિક માફિયાઓનાં કૌભાંડોને ઉજાગર કરતું રહેશે.