દિલ્હીમાં પેટ્રોલ સસ્તું થયું છે. બુધવારે જનતાને રાહત આપતા કેજરીવાલ સરકારે પેટ્રોલ પર વેટમાં ઘટાડો કર્યો છે, જેથી અહીં પેટ્રોલ 8 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. આજે સવારે માત્ર એવી માહિતી મળી રહી હતી કે દિલ્હીમાં પેટ્રોલ સસ્તું થઈ શકે છે. આજે દિલ્હી સરકારની કેબિનેટ બેઠક હતી. તેવી ચર્ચા હતી કે આ બેઠકમાં કેજરીવાલ સરકાર પેટ્રોલ પર વેટ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે.
સરકારે પેટ્રોલ પરનો વેટ 30 ટકાથી ઘટાડીને 19.40 ટકા કર્યો છે, જેથી રાજધાનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ આઠ રૂપિયા પ્રતિ લિટર સસ્તું થયું છે. આ નવા દરો આજે મધરાતથી લાગુ થશે.
આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ લગભગ 96 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાશે. અત્યાર સુધી તેની કિંમત 103.97 રૂપિયા ચાલી રહી છે. ડીઝલની વાત કરીએ તો અહીં ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યું છે.
દિલ્હીમાં આ ઘટાડા પછી રાજધાની દેશનું એકમાત્ર મેટ્રો શહેર બની ગયું છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયાની અંદર વેચાશે. અન્યથા મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. જ્યારે પાછલા 27 દિવસથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.