કોરોનાવાયરસનું નવું સ્વરૂપ, ઓમિક્રોન, સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બે અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં તેનો પહેલો કેસ સામે આવ્યા બાદ હવે તે વિશ્વના 27 દેશોમાં પહોંચી ગયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ વેરિઅન્ટ અમેરિકાથી દક્ષિણ કોરિયા સુધી પહોંચી ગયું છે.
આ અત્યંત ચેપી વેરિએન્ટ પ્રવાસીઓ દ્વારા દેશોમાં પહોંચ્યો છે. દક્ષિણ આફ્રિકાથી અમેરિકા પરત ફરેલી વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હતી. અમેરિકાનો આ પહેલો કેસ છે. ઈઝરાયેલમાં પણ ઓમિક્રોનના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે. ચેપગ્રસ્ત વ્યક્તિ માલાવી રોડથી બસમાં બેસીને તેલ અવીવ પહોંચ્યો હતો. ઈટાલીમાં પણ પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે.
દક્ષિણ આફ્રિકામાં નવા 1100 કેસમાંથી 90 ટકા ઓમિક્રોન વેરિઅન્ટના દર્દીઓ છે. ત્યાં 8561 કેસ નોંધાયા છે. આ સિવાય બોત્સ્વાનામાં 19, નેધરલેન્ડ, પોર્ટુગલ અને ફ્રાન્સમાં 13-13, ઓસ્ટ્રેલિયામાં છ, યુકે અને કેનેડામાં પાંચ-પાંચ, હોંગકોંગમાં ચાર, સ્વિટ્ઝર્લેન્ડમાં ત્રણ, જર્મની, નોર્વે, બ્રાઝિલ અને ડેનમાર્કમાં બે-બે ઓમિક્રોન વેરિઅન્ટના કેસો મળી આવ્યા છે.
આ સિવાય બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ઓસ્ટ્રિયા, સ્પેન, સ્વીડન, જાપાન, સાઉદી અરેબિયા અને યુએઈમાં ઓમિક્રોનનો એક-એક કેસ નોંધાયો છે.