બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે બનેલું જવાદ વાવાઝોડું નબળું પડી જતાં તટવર્તીય વિસ્તારોના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કાંઠા વિસ્તારોમાં 60થી 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો છે. આંધ્રપ્રદેશમાં વૃક્ષ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે.
આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્વિમ બંગાળમાં ત્રાટકનારું જવાદ વાવાઝોડું નબળું પડી જતાં સરકારી તંત્રએ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, તે છતાં પણ સલામતીના કારણોથી ત્રણેય રાજ્યોમાં 15 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વાવાઝોડાંની તીવ્રતા ઘટતા મોટી સંખ્યામાં થઈ રહેલું સ્થળાંતર રોકી દેવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીકાકૂલમ જિલ્લામાં ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થતા એક બાળકનું મૃત્યુ થયું હતું. આંધ્રપ્રદેશમાં દિવસભર વરસાદ પડયો હતો, પરંતુ હવાની તીવ્રતા ધારણા કરતા ઓછી હતી. મોડી રાતે 60થી 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. જોકે 100થી 120 કિ.મી.ની તીવ્રતા સુધી પહોંચવાનો જે અંદાજ હતો એટલો પવન ફૂંકાય એવી શક્યતા ઘટી ગઈ છે.
ઓડિશા અને પશ્વિમ બંગાળમાં વરસાદી વાતાવરણ રહ્યું હતું, પરંતુ ભારે વરસાદ પડયો ન હતો.
હવામાન વિભાગે કહ્યું હતું કે દરિયામાં જ નબળું અને ધીમું પડી ગયેલું વાવાઝોડું ઓડિશાની ધરતી પર ટકરાયા પછી વિખેરાઈ જશે.
જોકે, તેની અસર ૫મી ડિસેમ્બરની મોડી રાત સુધી રહે એવી શક્યતા છે. ઓડિશા અને બંગાળમાં ૫મી ડિસેમ્બરે વરસાદ પડશે. પશ્વિમ બંગાળના અમુક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો હતો. ત્રણેય રાજ્યોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 64 ટીમ બચાવ-રાહત કામગીરી માટે તૈનાત રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે ત્રણેય રાજ્યો પાસેથી જવાદની સ્થિતિનો અહેવાલ મેળવીને સમીક્ષા કરી હતી.