5% અને 18% ના નવા ટેક્સ સ્લેબ લાગુ કરવાની વિચારણા
કેન્દ્રના પ્રસ્તાવ અનુસાર, 12% અને 28% જેવા મધ્યમ અને ઊંચા દરના સ્લેબને નાબૂદ કરીને, મોટાભાગની વસ્તુઓને 5% અને 18% શ્રેણીમાં લાવવાનો વિચાર છે. ખાસ કરીને, 12% સ્લેબમાં આવતી 99% વસ્તુઓને 5% માં અને 28% સ્લેબમાંની 90% વસ્તુઓને 18% માં મૂકી શકાશે.
દેશભરમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દરોમાં સુધારાની લાંબા સમયથી અપેક્ષા હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા GST દરોને વધુ તર્કસંગત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુરુવારથી રાજ્યના નાણામંત્રીઓના મંત્રીઓના જૂથ (GoM)ની બેઠક શરૂ થઈ છે, જેમાં ટેક્સના હાલના ચાર સ્લેબ (5%, 12%, 18% અને 28%)ને ઘટાડીને માત્ર બે સ્લેબ (5% અને 18%) રાખવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે GoMને જણાવ્યું કે દરોને તર્કસંગત બનાવવાથી સામાન્ય માણસ, ખેડૂતો, મધ્યમ વર્ગ અને એમએસએમઈ (MSME)ને મોટી રાહત મળશે. આ પગલું એક સરળ, પારદર્શક અને વિકાસલક્ષી કર પ્રણાલી સુનિશ્ચિત કરશે.
આરોગ્ય અને જીવન વીમા પર GST મુક્તિની શક્યતા
આ બેઠકમાં આરોગ્ય અને જીવન વીમા પોલિસી પર GST મુક્તિ અંગે પણ ચર્ચા થઈ. જો આ પ્રસ્તાવ અમલમાં મૂકવામાં આવે, તો સરકારને દર વર્ષે અંદાજે રૂ. 9,700 કરોડના રિવેન્યુમાં ઘટાડો આવી શકે છે. છતાં, મોટાભાગના રાજ્યો આ પગલાને સમર્થન આપી રહ્યા છે. તેઓનું માનવું છે કે આ રાહતનો સીધો લાભ સામાન્ય નાગરિક અને પોલિસીધારકો સુધી પહોંચવો જોઈએ.
GST કાઉન્સિલે ભવિષ્યમાં આવી રિયાયતનો લાભ સરલતાથી નાગરિકો સુધી પહોંચે તે માટે એક અસરકારક માળખું તૈયાર કરવાની પણ ભલામણ કરી છે.
“મેરિટ” અને “સ્ટાન્ડર્ડ” કેટેગરી હેઠળ કર લગાવવાની નવી યોજના
કેન્દ્ર સરકારે માલ અને સેવાઓને “મેરિટ” અને “સ્ટાન્ડર્ડ” કેટેગરીમાં વર્ગીકૃત કરીને અનુક્રમે 5% અને 18% GST લગાવવાની ભલામણ પણ કરી છે. ઉપરાંત કેટલીક ખાસ વસ્તુઓ — ખાસ કરીને ખામીયુક્ત કે ઝેરી સામગ્રી પર 40% સુધીનો ઉંચો દર પણ સૂચવવામાં આવ્યો છે.
GSTની આ તર્કસંગત રચના માત્ર ટેક્સ વ્યવસ્થાને સરળ નહીં બનાવે, પણ મધ્યમ વર્ગ, ખેડૂતો અને MSME ઉદ્યોગોને મોટી રાહત આપી શકે છે. હવે આખા દેશની નજર છે કે GST કાઉન્સિલ આ પ્રસ્તાવો મંજૂર કરે છે કે નહીં.