Bigg Boss 20એ રચ્યો ઇતિહાસ! માત્ર 60 દિવસમાં 100 કરોડ વોચ અવર્સ પાર, સલમાન ખાન પણ થયો ખુશ
ભારતીય ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વખતે શો પોતાના ઘરની અંદર થતા ઝઘડા, લડાઈ અને ડ્રામાને કારણે નહીં, પરંતુ એક મોટા રેકોર્ડને કારણે ચર્ચામાં છે. સલમાન ખાન હોસ્ટ કરી રહેલા ‘બિગ બોસ 20’એ માત્ર 60 દિવસથી ઓછા સમયમાં 100 કરોડ એટલે કે 1 બિલિયન વોચ-ટાઇમ અવર્સનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો છે.
આ સિદ્ધિ સાથે બિગ બોસની 20મી સિઝન ફ્રેન્ચાઇઝીના ઇતિહાસમાં સૌથી ઝડપથી આ મુકામ હાંસલ કરનારી સિઝન બની ગઈ છે. ખાસ વાત એ છે કે આ સિઝનને દર્શકો તરફથી માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
સલમાન ખાનના શોની ઐતિહાસિક સફળતા
‘બિગ બોસ 20’ની શરૂઆત 6 સપ્ટેમ્બર, 2026ના રોજ થઈ હતી. ત્યારથી જ આ શો સતત ચર્ચામાં રહ્યો છે. JioHotstar પર શોના પ્રીમિયર દિવસને કોઈપણ રિયાલિટી શો માટે અત્યાર સુધીનો સૌથી મોટો ઓપનિંગ ડે ગણાવવામાં આવ્યો છે.

હવે 60 દિવસથી ઓછા સમયમાં 100 કરોડ વોચ-ટાઇમ કલાકનો આંકડો પાર કરીને શોએ પોતાની લોકપ્રિયતાનો વધુ એક પુરાવો આપ્યો છે. આ સફળતા એવા સમયે મળી છે જ્યારે ભારતમાં બિગ બોસે પોતાના 20 વર્ષ પણ પૂર્ણ કર્યા છે.
350 કરોડથી વધુ વોટિંગ, અગાઉની સિઝન કરતાં 71%નો વધારો
આ સિઝનની લોકપ્રિયતાનો અંદાજ માત્ર વોચ-ટાઇમ પરથી જ નહીં, પરંતુ દર્શકોની ભાગીદારી પરથી પણ લગાવી શકાય છે. અત્યાર સુધીમાં શોને 350 કરોડથી વધુ વોટ મળ્યા છે. આ આંકડો અગાઉની સિઝનની સરખામણીએ 71 ટકા વધારે છે.
આ ઉપરાંત વોટિંગમાં ભાગ લેનારા ચાહકોની સંખ્યામાં પણ 48 ટકાનો વધારો નોંધાયો છે. એટલે કે દર્શકો માત્ર શો જોઈ રહ્યા નથી, પરંતુ પોતાના મનપસંદ સ્પર્ધકોને જીતાડવા માટે પણ સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે.
શોના મીમ્સ બનાવવાની પ્રવૃત્તિમાં પણ મોટો વધારો થયો છે. ગયા સીઝનની સરખામણીએ આ વખતે ત્રણ ગણાથી વધુ મીમ્સ બનાવવામાં આવ્યા છે. જ્યારે શોના ‘જીતો’ ગેમમાં ભાગ લેનારા દર્શકોની સંખ્યા પણ બમણાથી વધુ થઈ છે.
વિદેશમાં પણ બિગ બોસનો જબરદસ્ત ક્રેઝ
બિગ બોસ 20ની લોકપ્રિયતા હવે ભારતની સરહદો પાર પણ પહોંચી છે. JioHotstar પર આ શો યુકે, કેનેડા અને સિંગાપોરમાં સતત ટોપ-5 લોકપ્રિય ટાઇટલમાં સ્થાન મેળવી રહ્યો છે.
બીજી તરફ, UAEમાં આ શો STARZPLAY પ્લેટફોર્મ પર નંબર-1 સ્થાન પર છે અને પ્લેટફોર્મના ટોપ-10 શોમાં પણ સતત સામેલ રહ્યો છે.
આ આંકડા દર્શાવે છે કે ભારતીય રિયાલિટી શો હવે વિદેશમાં વસતા ભારતીય દર્શકોમાં પણ કેટલો લોકપ્રિય બની રહ્યો છે.
સલમાન ખાને દર્શકોનો માન્યો આભાર
આ ઐતિહાસિક સફળતા અંગે શોના હોસ્ટ સલમાન ખાને દર્શકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, બિગ બોસની અસલી રમત માત્ર ઘરની અંદર જ નહીં, પરંતુ ઘરની બહાર પણ ચાલે છે, જ્યાં દર્શકો દરેક ક્ષણ સાથે જોડાયેલા રહે છે.
તેમણે 100 કરોડ વોચ-ટાઇમ કલાકની સિદ્ધિને દર્શકોના પ્રેમ અને શો સાથેના તેમના જોડાણનું પરિણામ ગણાવ્યું હતું.

આ પ્રસંગની ઉજવણી માટે સલમાન ખાને શોના સેટ પર ખાસ કેક કાપીને ખુશી વ્યક્ત કરી હતી. મેકર્સ દ્વારા પણ દર્શકોના પ્રેમ અને સમર્થન બદલ આભાર માનવામાં આવ્યો હતો.
યુવા દર્શકોમાં પણ વધી રહ્યો છે ક્રેઝ
આ સિઝનની બીજી એક રસપ્રદ બાબત એ છે કે Gen Z એટલે કે યુવા પેઢી પણ શો સાથે મોટા પ્રમાણમાં જોડાઈ રહી છે. JioStarના આંકડા અનુસાર, JioHotstar પર કુલ વોચ-ટાઇમમાં 45 ટકા હિસ્સો Gen Z દર્શકોનો છે.
આ ઉપરાંત મોટા ટીવી સ્ક્રીન પર પરિવાર સાથે બેસીને શો જોવાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
આમ, વિવાદો, મનોરંજન, વોટિંગ અને દર્શકોની સક્રિય ભાગીદારીના જોરે ‘બિગ બોસ 20’એ 20 વર્ષની સફરમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. હવે જોવાનું એ રહેશે કે સિઝન પૂર્ણ થાય ત્યાં સુધી આ શો લોકપ્રિયતાના હજુ કેટલા નવા રેકોર્ડ બનાવે છે.
