બોલિવૂડમાં ધમાકો: ‘ખલનાયક રિટર્ન્સ’માં સંજય દત્ત સાથે જોવા મળી શકે છે સલમાન ખાન? જાણો શું છે નવું અપડેટ
બોલિવૂડની આઇકોનિક અને સુપરહિટ એક્શન-ડ્રામા ફિલ્મ ‘ખલનાયક’ (Khalnayak) ના ચાહકો માટે એક મોટા અને અત્યંત રોમાંચક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 1993માં આવેલી આ ફિલ્મે બોલિવૂડમાં ઈતિહાસ રચ્યો હતો અને તેનું દરેક પાત્ર આજે પણ દર્શકોના દિલમાં વસેલું છે. હવે આ ફિલ્મના સીક્વલ ‘ખલનાયક રિટર્ન્સ’ (Khalnayak Returns) ને લઈને ફિલ્મ જગતમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે, અને તેમાં પણ ખાસ કરીને બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાનની એન્ટ્રીની વાતોએ ચાહકોનો ઉત્સાહ બેવડો કરી દીધો છે.

શું સલમાન ખાન ફિલ્મનો હિસ્સો બનશે?
મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રખ્યાત ફિલ્મમેકર સુભાષ ઘાઈ અને તેમની રાઈટિંગ ટીમ ‘ખલનાયક રિટર્ન્સ’ માટે એક શાનદાર સ્ક્રિપ્ટ તૈયાર કરી રહી છે. આ ફિલ્મના પ્લોટમાં સલમાન ખાન માટે એક ખૂબ જ ખાસ અને દમદાર પાત્ર વિચારવામાં આવી રહ્યું છે. ચર્ચા છે કે જો બધું સમુંસૂતરું પાર ઉતર્યું, તો સલમાન ખાન આ ફિલ્મમાં એક પ્રામાણિક અને મદદગાર પોલીસ ઓફિસરના રોલમાં નજરે પડી શકે છે, જે વાર્તામાં સંજય દત્તના પાત્રને મુશ્કેલીઓમાંથી બહાર લાવવામાં સાથ આપે છે.
આવા અહેવાલો આવ્યા પછી બોલિવૂડ રસિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે જો આ બે દિગ્ગજ કલાકારો ફરી એકવાર મોટા પડદા પર સાથે દેખાય, તો તે સિનેમાઘરોમાં કોઈ ઉત્સવથી ઓછું નહીં હોય.

સુભાષ ઘાઈએ શું કહ્યું?
જો કે, આ તમામ અટકળો વચ્ચે ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ ચાલી રહ્યું છે અને કાસ્ટિંગ વિશે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે ફિલ્મની સંપૂર્ણ પટકથા (Script) તૈયાર થયા પછી જ કલાકારોની ફાઇનલ પસંદગી પર મહોર મારવામાં આવશે. તેથી હાલના તબક્કે આ અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પુષ્ટિ કરવી ઉતાવળ ગણાશે.
સંજય દત્તે ‘ખલનાયક’ ફિલ્મમાં ‘બલ્લુ’ નું પાત્ર ભજવીને જે લોકપ્રિયતા મેળવી હતી, તેને આજે પણ લોકો યાદ કરે છે. જો હવે ‘ખલનાયક રિટર્ન્સ’ માં સલમાન ખાનની એન્ટ્રી થાય છે, તો આ જોડી સિલ્વર સ્ક્રીન પર નવો ઇતિહાસ રચી શકે છે. ફેન્સ આ ફિલ્મના સત્તાવાર એલાઉન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
