૧ નવેમ્બરથી દિલ્હીમાં નિયમો કડક! BS-6 વગરના બહારના વાહનોના પ્રવેશ પર ૩૧ જાન્યુઆરી સુધી પ્રતિબંધ
જેમ-જેમ રાજધાની દિલ્હીમાં શિયાળાની શરૂઆત થાય છે, તેમ-તેમ હવાની ગુણવત્તા (Air Quality) બગડવા લાગે છે અને પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી જાય છે. આ વખતે વધતા પ્રદૂષણ પર સમયસર કાબૂ મેળવવા માટે દિલ્હી સરકાર અને ટ્રાફિક પોલીસ અત્યારથી જ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.
આ અંતર્ગત ૧ નવેમ્બરથી દિલ્હીમાં વાહનોના પ્રવેશ, ફ્યુઅલ (ઈંધણ)નું વેચાણ અને પાર્કિંગ ચાર્જ સાથે જોડાયેલા ઘણા મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. જો તમે પણ દરરોજ કામ કે વ્યાપાર અર્થે દિલ્હી વાહન લઈને આવો-જાઓ છો, તો આ નવા ફેરફારો વિશે પૂરી માહિતી હોવી તમારા માટે ખૂબ જ જરૂરી છે.

કયા વાહનોના દિલ્હી પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ?
દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નવી એડવાઈઝરી મુજબ, ૧ નવેમ્બરથી દિલ્હી બહાર (NCR કે અન્ય રાજ્યોમાં) રજિસ્ટર્ડ BS-6 (બીએસ-૬) એમિશન નોર્મ્સથી નીચેના વાહનોના દિલ્હી પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આ પ્રતિબંધ ૩૧ જાન્યુઆરી સુધી લાગુ રહેશે. એટલે કે જો તમારી પાસે દિલ્હી બહારના પાસિંગનું વાહન છે અને તે BS-6 ધોરણો પૂરા નથી કરતું, તો તમે ૩૧ જાન્યુઆરી સુધી તેને લઈને દિલ્હીની સીમામાં પ્રવેશ કરી શકશો નહીં.
કયા વાહનોને મળશે દિલ્હી પ્રવેશની છૂટ?
પ્રદૂષણ નિયંત્રણ માટે લાગુ કરવામાં આવી રહેલા આ પ્રતિબંધો વચ્ચે કેટલીક શ્રેણીના વાહનોને રાહત પણ આપવામાં આવી છે:
BS-6 ધોરણો વાળા વાહનો: તે તમામ વાહનો જે BS-6 નોર્મ્સનું પાલન કરે છે, તેઓ દિલ્હીમાં કોઈ પણ અડચણ વગર આવી-જઈ શકશે.
ઈલેક્ટ્રિક વાહનો (EVs): સંપૂર્ણપણે વીજળીથી ચાલતા તમામ વાહનોને આ બેનમાંથી મુક્તિ મળશે.
CNG વાહનો: સીએનજીથી ચાલતા વાહનોના પ્રવેશ પર પણ કોઈ રોક રહેશે નહીં.
ઈમરજન્સી વાહનો: એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને જરૂરી સેવાઓ સાથે જોડાયેલા વાહનોને આ નિયમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.
ભારે વાહનો અને ટ્રકો માટે શું છે સૂચનાઓ?
દિલ્હી ટ્રાફિક પોલીસે આંતરરાજ્ય ટ્રકો અને કોમર્શિયલ વાહનો માટે પણ કડક માર્ગદર્શિકા જારી કરી છે. જે ટ્રકોને દિલ્હીની અંદર ડિલિવરી આપવાની નથી અથવા જેઓ માત્ર દિલ્હીના રસ્તે અન્ય રાજ્યમાં જવાના છે, તેઓને શહેરની સીમાઓમાં પ્રવેશ કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે.

આવા તમામ ટ્રકોને દિલ્હીની અંદર આવવાને બદલે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે (Peripheral Expressway) નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, જેથી શહેરની અંદર ટ્રાફિક અને પ્રદૂષણ બંનેને નિયંત્રિત કરી શકાય.
‘નો વેલિડ PUCC,નો ફ્યુઅલ’ પોલિસી થશે લાગુ
પ્રદૂષણ ફેલાવતા વાહનો પર લગામ લગાવવા માટે દિલ્હીમાં ‘No Valid PUCC, No Fuel’ પોલિસી પણ લાગુ કરવામાં આવી રહી છે. આ નવા નિયમ હેઠળ, જો કોઈ પેટ્રોલ કે ડીઝલ વાહન માલિક પાસે માન્ય ‘પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ’ (PUCC) નહીં હોય, તો તેને દિલ્હીના કોઈપણ પેટ્રોલ પંપ પર ઈંધણ (પેટ્રોલ/ડીઝલ) આપવામાં આવશે નહીં.
જોકે, સીએનજી વાહનોને હાલ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ચાલકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પેટ્રોલ પંપ પર જતાં પહેલાં પોતાના વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ જરૂર અપડેટ કરાવી લે.
પાર્કિંગ ચાર્જ થયો બમણો, પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન
ખાનગી વાહનોના ઉપયોગને ઘટાડવા અને લોકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી ૧ નવેમ્બરથી દિલ્હીમાં પાર્કિંગ ફી (Parking Charges) પણ બમણી કરી દેવામાં આવી છે. અધિકૃત પાર્કિંગ સ્થળો પર પ્રાઈવેટ ગાડીઓ પાસેથી હવે પહેલાં કરતાં ડબલ ફી વસૂલવામાં આવશે. જોકે, ઈલેક્ટ્રિક વાહનોને પાર્કિંગ ચાર્જમાં સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. આ સાથે જ દિલ્હી સરકારે રસ્તાઓ પર ૧૫૦ નવી ઈલેક્ટ્રિક બસો ઉતારવાનો પણ નિર્ણય કર્યો છે.
