₹૧૨,૦૦૦ કરોડના વેપાર પર તોળાતું મોટું સંકટ: દિલ્હીના ઐતિહાસિક બજારોના વેપારીઓએ રાહુલ ગાંધી અને વિપક્ષ પાસે શું માગ્યું?
દિવાળીના તહેવારોની મોસમ પરાકાષ્ઠાએ પહોંચી છે ત્યારે દેશની રાજધાની દિલ્હીના વેપારી વર્ગમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વિપક્ષી પક્ષોના ‘ઇન્ડિયા’ (INDIA) ગઠબંધન દ્વારા આવનારી ૧ નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે એક વિશાળ ‘મેગા રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ, ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI) એ ચેતવણી આપી છે કે દિવાળીના મુખ્ય ખરીદીના દિવસોમાં જો આ રેલી યોજાશે, તો ચાંદની ચૌક સહિત સમગ્ર સેન્ટ્રલ દિલ્હીના વેપાર ધંધા ઠપ્પ થઈ જશે અને લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ પામશે.

આ અંગે CTI એ શનિવારે ઇન્ડિયા ગઠબંધનના મુખ્ય નેતાઓ જેવા કે અખિલેશ યાદવ, મમતા બેનર્જી, તેજસ્વી યાદવ અને ઉદ્ધવ ઠાકરેને તાકીદનો પત્ર લખીને અરજ કરી છે કે તેઓ આ રેલીને ૧ નવેમ્બરના બદલે દિવાળી પછી, એટલે કે ૧૦-૧૧ નવેમ્બર બાદ રાખવા માટે સંમત થાય. વેપારી સંગઠને સ્પષ્ટ કર્યું છે કે તેઓ રેલીનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ દિવાળીના ટાણે પોતાની રોજીરોટી બચાવવા માટે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે.
ઇન્ડિયા ગઠબંધનની રેલી પાછળના મુખ્ય મુદ્દા અને વેપારીઓની છેલ્લી આશા
વિપક્ષી ગઠબંધન દ્વારા દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત આ મેગા રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય વિવાદાસ્પદ સ્પેસિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને પાછું ખેંચવાની માગણી કરવાનો અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે દબાણ લાવવાનો છે.
સીટીઆઈના ચેરમેન બ્રિજેશ ગોયલે પત્રમાં લખ્યું હતું કે, “અમે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને આ અંગે વારંવાર અપીલ કરી ચૂક્યા છીએ. પરંતુ હવે તમે જ અમારી છેલ્લી આશા છો. કૃપા કરીને તમે રાહુલ ગાંધી અને કોંગ્રેસને સમજાવો કે દિવાળીની પીક સીઝન દરમિયાન આવી વિશાળ રેલીનું આયોજન કરવાથી વેપારીઓ માટે આ તહેવાર ‘કાળી દિવાળી’માં ફેરવાઈ જશે.“
₹૧૦,૦૦૦ થી ₹૧૨,૦૦૦ કરોડના વેપાર પર તોળાતું સંકટ
દિવાળી અને ધનતેરસના તહેવારો વેપારીઓ માટે આખા વર્ષની કમાણીનો મુખ્ય સમય હોય છે. ૬ નવેમ્બરે ધનતેરસ અને ૮ નવેમ્બરે દિવાળી હોવાથી ૧ નવેમ્બરનો દિવસ ખરીદી અને માલસામાનની હેરફેર માટે અત્યંત મહત્વપૂર્ણ અને ભીડભાડવાળો હોય છે.
CTI ના આંકડા અનુસાર:
૧ નવેમ્બરે આશરે ૧૦ લાખ લોકો અને ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ વાહનો સેન્ટ્રલ દિલ્હીમાં પ્રવેશે તેવી શક્યતા છે.
જો આમ થશે તો દિલ્હીના ૨૦ જેટલા ઐતિહાસિક બજારોમાં દૈનિક ધોરણે થતો રૂપિયા ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ કરોડનો વેપાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે.
રામલીલા મેદાન પાસે ૨૦૦ મોટી બસો પાર્ક કરવાની પણ ક્ષમતા નથી, તેથી ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ વાહનો રસ્તા પર જ ઊભા રહેશે, જેનાથી દિલ્હીના મુખ્ય માર્ગો પર ‘ચક્કાજામ’ થઈ જશે.
જેએલએન માર્ગ, બહાદુરશાહ ઝફર માર્ગ, નેતાજી સુભાષ માર્ગ, અજમેરી ગેટ અને ચાંદની ચૌક રોડ જેવા મુખ્ય રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

દિલ્હીના ૨૦ ઐતિહાસિક બજારો અને ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખોરવાશે
રામલીલા મેદાનની ૫ કિલોમીટરની ત્રિજ્યામાં દેશના સૌથી મોટા અને જૂના ૨૦ થી વધુ વેપારી બજારો આવેલા છે, જેમાંથી કેટલાક તો ૩૦૦ વર્ષ જૂના ઐતિહાસિક બજારો છે. આ બજારો સમગ્ર ભારત અને વિદેશોમાં માલસામાન સપ્લાય કરે છે.
આ પ્રભાવિત થનારા મુખ્ય બજારોમાં ચાંદની ચૌક, સદર બજાર, કનોટ પ્લેસ, પાલિકા બજાર, જનપથ, ભગીરથ પેલેસ, ખારી બાવલી, કશ્મીરી ગેટ, નયા બજાર, લાજપત રાય માર્કેટ, ચાવડી બજાર, કિનારી બજાર, દરીબા કલાન, બલ્લીમારાન, ફતેહપુરી, તિલક બજાર, કરોલ બાગ, જામા મસ્જિદ, નબી કરીમ, ગફ્ફાર માર્કેટ, અજમેરી ગેટ-પહાડગંજ અને દરિયાગંજ નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, દિલ્હીના ૫૬ ઔદ્યોગિક વિસ્તારો (જેવા કે નરેલા, બવાના, ઓખલા, માયાપુરી વગેરે) માંથી દરોજ ૫,૦૦૦ જેટલા ટ્રક અને ટેમ્પો આ બજારોમાં સામાન લાવે છે. સાથે જ આ બજારોમાંથી દરરોજ ૩,૦૦૦ ટ્રકો દ્વારા ગુડગાંવ, નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ સહિત એનસીઆરના ૨૫ શહેરો અને દેશભરમાં માલ મોકલવામાં આવે છે. ટ્રાફિક ડાયવર્ઝન અને રોડ બ્લોકના કારણે ટ્રાન્સપોર્ટરોએ ૩૧ ઓક્ટોબરથી જ વાહનો મોકલવાની ના પાડી દીધી છે.
CTI ની ગઠબંધન નેતાઓ સમક્ષ ૨ મુખ્ય અને સ્પષ્ટ માગણીઓ
દિલ્હીના હજારો વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને રોજમદાર મજૂરોના હિતને ધ્યાનમાં રાખીને CTI એ પત્રના માધ્યમથી ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ સમક્ષ બે મુખ્ય વિકલ્પો મૂક્યા છે:
૧. રેલી સ્થગિત કરવી: ૧ નવેમ્બરની આ મેગા રેલીને દિવાળી પછી, ખાસ કરીને ૧૦ અથવા ૧૧ નવેમ્બર પછી યોજવામાં આવે, જેથી ધનતેરસ અને દિવાળી દરમિયાન વેપારીઓની આજીવિકા અને ખરીદીનો ઉત્સાહ જળવાઈ રહે.
૨. સ્થળ બદલવું (બુરાડી ગ્રાઉન્ડ): જો કોઈ કારણોસર ૧ નવેમ્બરે જ રેલી યોજવી ફરજિયાત હોય, તો તેનું સ્થળ રામલીલા મેદાનથી બદલીને બુરાડી ગ્રાઉન્ડ (Burari Ground) ખાતે રાખવામાં આવે. બુરાડી ગ્રાઉન્ડ ખાતે આશરે ૧૫,૦૦૦ વાહનો પાર્ક કરવાની વિશાળ જગ્યા ઉપલબ્ધ છે, જેનાથી સેન્ટ્રલ દિલ્હીમાં ટ્રાફિક જામ કે લોકડાઉન જેવી સ્થિતિ ઊભી થશે નહીં.
