સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પંજાબની ટીમ જાહેર: રમનદીપ સિંહને મળી કેપ્ટનશિપ, ઉમેશ યાદવનો પણ સમાવેશ; પ્રભસિમરનના સ્થાને સહજ ધવનને મળશે તક
ભારતીય ઘરેલુ ક્રિકેટની આગામી ટી-20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે પંજાબ ક્રિકેટ એસોસિએશને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. 2026-27ની સિઝન માટે રમનદીપ સિંહને ટીમની કમાન સોંપવામાં આવી છે. ટીમમાં અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે યુવા બેટર અર્જુન રાજપૂતને પણ સિનિયર ટીમમાં પોતાની પ્રતિભા બતાવવાની તક મળી છે. બીજી તરફ, ઇન્ડિયા-એ ટીમમાં પસંદગી થતાં પ્રભસિમરન સિંહ પંજાબની ટીમમાંથી બહાર રહેશે અને તેમના સ્થાને સહજ ધવનને સામેલ કરવામાં આવશે. પંજાબની ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓના સંયોજનને સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે ટુર્નામેન્ટમાં ટીમ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
રમનદીપ સિંહને કેપ્ટનશિપ, અર્જુન રાજપૂત પર પણ નજર
પંજાબ ક્રિકેટ એસોસિએશને 11 નવેમ્બરે જાહેર કરેલી ટીમમાં રમનદીપ સિંહને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. રમનદીપની આગેવાનીમાં પંજાબની ટીમ ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. ટીમમાં અનમોલપ્રીત સિંહ, સંવીર સિંહ અને ઉદય સહરાન જેવા બેટરોને સ્થાન મળ્યું છે, જે બેટિંગ વિભાગને મજબૂતી આપશે.

આ ટીમમાં સૌથી વધુ ચર્ચા યુવા બેટર અર્જુન રાજપૂતની પસંદગીને લઈને થઈ રહી છે. તાજેતરમાં પાકિસ્તાન સામે સદી ફટકારીને અર્જુને ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેને સિનિયર સ્તરના ક્રિકેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળી શકે છે. જોકે, અર્જુન હાલમાં ભારતની અંડર-19 ટીમ સાથે એશિયા કપમાં વ્યસ્ત હોવાથી તે ટુર્નામેન્ટમાં ભારતનું અભિયાન પૂરું થયા બાદ જ પંજાબની ટીમ સાથે જોડાશે.
પંજાબ ક્રિકેટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, અર્જુનનો ટીમમાં સમાવેશ અંડર-19 એશિયા કપમાં ભારતના પ્રદર્શન અને અભિયાનની પ્રગતિ પર નિર્ભર રહેશે. ભારત 12 નવેમ્બરે મસ્કત ખાતે બીજી સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે રમવાનું છે. આ મેચ અને ત્યારબાદની ટુર્નામેન્ટની સ્થિતિ અર્જુન ક્યારે પંજાબ સાથે જોડાશે તે નક્કી કરશે.
પ્રભસિમરનના સ્થાને સહજ ધવન, ઉમેશ યાદવનો અનુભવ ટીમને મળશે
પંજાબની ટીમમાં મહત્વનો ફેરફાર વિકેટકીપર-બેટર પ્રભસિમરન સિંહને લઈને કરવામાં આવ્યો છે. પ્રભસિમનની પસંદગી મેન્સ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટેની ઇન્ડિયા-એ ટીમમાં થઈ છે. આ ટુર્નામેન્ટ 19થી 29 નવેમ્બર દરમિયાન કતારના દોહામાં રમાવાની છે. આ કારણે પ્રભસિમરન પંજાબ તરફથી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ઉપલબ્ધ રહેશે નહીં. તેમના સ્થાને સહજ ધવનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
પ્રભસિમરનની ગેરહાજરીમાં વિકેટકીપિંગની જવાબદારી સલિલ અરોરા સંભાળશે. સલિલ હાલમાં સારા ફોર્મમાં છે અને ટીમ માટે બેટિંગમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. બેટિંગ વિભાગમાં અનમોલપ્રીત સિંહ, સંવીર સિંહ અને ઉદય સહરાન જેવા ખેલાડીઓની હાજરી પંજાબને સારી શરૂઆત અને મધ્યક્રમમાં સ્થિરતા અપાવવાની ક્ષમતા ધરાવે છે.
બોલિંગ વિભાગમાં પણ પંજાબે અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ મૂક્યો છે. ડાબોડી સ્પિનર હરપ્રીત બ્રાર અને લેગ સ્પિનર રઘુ શર્મા સ્પિન આક્રમણની જવાબદારી સંભાળશે. ઝડપી બોલિંગમાં ઉમેશ યાદવનો અનુભવ ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે. ઉમેશ આ સિઝનમાં પંજાબ તરફથી ચાર રણજી ટ્રોફી મેચ રમી ચૂક્યા છે. તેમની હાજરીથી ઝડપી બોલિંગ વિભાગને અનુભવ અને મજબૂતી મળશે.આ ઉપરાંત, આ વર્ષની ‘શેર-એ-પંજાબ’ ટુર્નામેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર કાર્તિક ચઢ્ઢાને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પસંદગી યુવા પ્રતિભાઓને તક આપવાની પંજાબની તૈયારી દર્શાવે છે.
THE SQUAD IS ANNOUNCED! 🏆
Punjab gears up for the Syed Mushtaq Ali Trophy 2026–27, led by Captain @Raman___19
Wishing the team the very best for the tournament. Go make Punjab proud! 💙🏏
#PunjabCricket #PCA #SyedMushtaqAliTrophy https://t.co/njpecUGsP1
— Punjab Cricket Association (@pcacricket) November 11, 2026
14 નવેમ્બરે હરિયાણા સામે અભિયાનની શરૂઆત
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબને એલિટ ગ્રુપ-બીમાં સ્થાન મળ્યું છે. આ ગ્રુપમાં પંજાબ ઉપરાંત હરિયાણા, દિલ્હી, રેલવે, તમિલનાડુ, જમ્મુ અને કાશ્મીર, સૌરાષ્ટ્ર અને બિહારની ટીમો સામેલ છે. ગ્રુપમાં સામેલ તમામ ટીમો વચ્ચેની સ્પર્ધા પંજાબ માટે પડકારજનક બની શકે છે.પંજાબ પોતાના અભિયાનની શરૂઆત 14 નવેમ્બરે હરિયાણા સામે કરશે. ત્યારબાદ 16 નવેમ્બરે દિલ્હી, 18 નવેમ્બરે રેલવે અને 20 નવેમ્બરે તમિલનાડુ સામે મુકાબલો થશે. આગળની મેચોમાં પંજાબ 22 નવેમ્બરે જમ્મુ અને કાશ્મીર તથા 24 નવેમ્બરે સૌરાષ્ટ્ર સામે રમશે. ગ્રુપ સ્ટેજની અંતિમ મેચ 26 નવેમ્બરે બિહાર સામે યોજાશે.
પંજાબની જાહેર કરાયેલી ટીમમાં વિશ્વનાથ પ્રતાપ, પ્રભસિમરન સિંહ, વિહાન મલ્હોત્રા, અનમોલપ્રીત સિંહ, ઉદય સહરાન, સલિલ અરોરા, રમનદીપ સિંહ (કેપ્ટન), સંવીર સિંહ, રઘુ શર્મા, હરપ્રીત બ્રાર, સાહિલ ભાસ્કર, કાર્તિક ચઢ્ઢા, ઈમાનજોત સિંહ ચહલ, સુખદીપ બાજવા, જશન જિંદાલ, કૃષ્ણ ભગત અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે. પ્રભસિમરનના સ્થાને સહજ ધવન ટીમમાં જોડાશે.
