સુરત સહિત રાજ્યમાં ભારે ચકચાર જગાવનાર ગ્રિષ્મા વેકરિયાની હત્યા કેસમાં પોલીસે હત્યારા ફેનિલ વિરૂદ્ધ પુરાવા એકત્ર કરી લીધા છે અને જિલ્લા પોલીસ આજે સોમવારે કોર્ટમાં 1000થી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરનાર છે.
ભારે ચકચાર જગાવનાર આ કેસની તપાસ ખુબજ ઝડપથી થઈ છે અને ગતરોજ રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ મળી હતી, જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવાઓ વગરે મુદ્દે ચર્ચા થઈ હતી.
પોલીસ તપાસ દરમ્યાન અનેક ચોંકાવનારી વાતો બહાર આવી છે જેમાં ગ્રિષ્માની હત્યા કરતા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હોવાનું ખુલ્યું છે.
પોલીસની તપાસમાં 150 સાક્ષી, 25 પંચનામા
ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.
આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કર્યા બાદ આજે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવનાર છે.
