સરકારના ધો.1 થી અંગ્રેજી શિક્ષણ નીતિ સામે શિક્ષણના પાયાના અનુભવી વર્ગમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે અને સરકારને બાળકોના સર્વાંગી વિકાસ માટે વિચાર કરી શિક્ષણ સાથે સંકળાયેલા સિનિયર બુદ્ધિજીવી વર્ગ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય કરવા ઉપર ભાર મુકાયો છે, શિક્ષણ પદ્ધતિઓ અંગે હંમેશા વિદ્યાર્થીઓના હિતો માટે ચિંતા કરતા ડૉ. નલિન પંડિતે (પૂર્વ નિયામક,GCERT) પણ કેટલાક સવાલો ઉઠાવ્યા છે તેઓનું કહેવું છે કે સરકારે આ મામલે વિચારવું જોઈએ તેઓએ કહ્યું કે ખરેખર તો પાંચમા ધોરણ પહેલા અંગ્રેજી વિષય શીખવવાની જરૂર નથી.
ત્યાં સુધીમાં માતૃભાષા ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
પહેલા ખોળાનું સંતાન નબળું છે ત્યાં બીજા સંતાનને જન્મ આપવા જેવું સરકારે કર્યું છે.
બે બાળક વચ્ચે અંતર રાખવાની વાત કરતી સરકાર આટલું પણ કેમ સમજતી નથી?! તે એક વિચાર માંગી લે તેવી વાત છે જેના ઉપર મનોમંથન થવું જોઈએ.
પહેલા ધોરણમાં શું ભણાવવું તે સરકાર માબાપે નક્કી કર્યું. પણ સરકાર પાસે નિયંત્રણ છે?
કશું હાથમાં રહવાનું નથી. બાળક બિચારા મુરજાય જવાના છે.
આટલું માબાપ વાલી અને સરકારને સમજાય તેવી પ્રભુને હાથ જોડી પ્રાર્થના કરું છું,તેમ ઉમેરી ચિંતા વ્યક્ત કરી છે.
આ માટે સરકાર ને વેધક સવાલો થયા છે,જે અત્રે પ્રસ્તુત કરાયા છે જે સવાલો કેન્દ્રની મોદી સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનના અભાવની નીતિરિતી સ્પષ્ટ કરતા હોવાનો ગર્ભિત ઈશારો કરાયો છે.
ગુજરાત સરકારે જાહેર કર્યું કે (૦૧) સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં ધોરણ એકથી બેમાં માત્ર બોલવા અને સાંભળવાની અંગ્રેજી વિષયની તાલીમ અપાશે. આ જાહેરાત નવી શિક્ષણ નીતિની વિરુદ્ધ છે.
અન્ય બે જાહેરાતો (૦૨) ધોરણ ત્રણથી પાંચમાં અંગ્રેજી વિષયનું સ્વતંત્ર પાઠ્યપુસ્તક હશે (૦૩) ધોરણ ત્રણથી પાંચમાં ગણિત અને પર્યાવરણના પાઠ્યપુસ્તકોમાં આવતી સંજ્ઞાઓનો અર્થ ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં પણ દર્શાવેલો હશે – આ બે જાહેરાતો નવી શિક્ષણ નીતિ સાથે સુસંગત છે પણ તેને માત્ર ને માત્ર ગુજરાતી માધ્યમ સાથે કેમ જોડી છે એ બાબત ગુજરાત સરકારની જાહેરાતો સામે શંકા પ્રેરે છે.
જો આ બે જાહેરાતો પણ જો માત્ર ગુજરાતી માધ્યમ માટે જ હોય તો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ ત્રણે જાહેરાતો કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે તેની તદ્દન વિરુદ્ધ છે.
શું ગુજરાત સરકાર કે જે “ડબલ-એન્જિન”ની સરકાર (એટલે કે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર) છે તે જ પોતાના પક્ષની કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ શિક્ષણ નીતિથી તદ્દન વિરુદ્ધ જઈ શકે ખરી?
શું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમાન નવી શિક્ષણ નીતિનું સુયોગ્ય અમલીકરણ કરવા સામે ગુજરાત સરકારે બળવો પોકાર્યો છે એમ કહી શકાય?
હા… એમ જ કહી શકાય.
ગુજરાત સરકારે આ ત્રણ જાહેરાતો વિધાનસભામાં કરીને કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી શિક્ષણ નીતિનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.
નવી શિક્ષણ નીતિ
કયા માધ્યમમાં અભ્યાસ કરાવવો
એ અંગે બહુ જ સ્પષ્ટ છે.
ચાલો…!!! નવી શિક્ષણ નીતિ શું કહે છે તે જોઈએ
–નવી શિક્ષણ નીતિ એકદમ સ્પષ્ટ કહે છે:
“……..Wherever possible, the medium of instruction until at least Grade 5, but preferably till Grade 8 and beyond, will be the home language/mother tongue/local language/regional language. Thereafter, the home/local language shall continue to be taught as a language wherever possible. This will be followed by both public and private schools. High-quality textbooks, including in science, will be made available in-home languages/mother tongue. All efforts will be made early on to ensure that any gaps that exist between the language spoken by the child and the medium of teaching are bridged. In cases where home language/mother tongue textbook material is not available, the language of transaction between teachers and students will still remain the home language/mother tongue wherever possible. Teachers will be encouraged to use a bilingual approach, including bilingual teaching-learning materials, with those students whose home language may be different from the medium of instruction…”
આમ નવી શિક્ષણ નીતિ અંતર્ગત
ધોરણ પાંચ સુધી ફરજિયાત એટલે કે
નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ એકથી પાંચ
એમ શરૂઆતના આઠ વર્ષ અને ત્યારપછીના ત્રણ વર્ષ એટલે કે ધોરણ છથી આઠ સુધી મરજિયાત રીતે વિદ્યાર્થીને
(૦૧) તેની માતૃભાષા (આપણા રાજ્ય માટે ગુજરાતી),
(૦૨) લોકબોલી (આપણા રાજ્ય માટે જે વિસ્તારમાં જે લોકબોલી બોલાતી હોય તે એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો ડાંગમાં કોંકણી, ગામિતી, ભરૂચની આજુબાજુ વસાવી, મધ્ય ગુજરાતમાં રાઠવી અને ભીલી વિગેરે – ગુજરાતમાં લગભગ ૩૦ લોકબોલી બોલાય છે)
અથવા તો (૦૩) પ્રાંતિય ભાષા (આપણા રાજ્ય માટે ગુજરાતી)માં
અભ્યાસ કરાવવામાં આવશે.
ઉચ્ચ ગુણવતાવાળા પાઠ્યપુસ્તકો માતૃભાષા (આપણા રાજ્ય માટે ગુજરાતી) અને લોકબોલીમાં તૈયાર કરવામાં આવશે. જે વિસ્તારમાં લોકબોલી કે માતૃભાષામાં પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ ન થયા હોય તે વિસ્તારોમાં ભલે જે તે પ્રાંતિય ભાષા (આપણા રાજ્ય માટે ગુજરાતી)ના પાઠ્યપુસ્તકો વાપરવામાં આવે પરંતુ શિક્ષક જે તે વિસ્તારની લોકબોલી કે માતૃભાષામાં જ શિક્ષણ આપે તેવી જોગવાઈ આ નવી નીતિમાં કરવામાં આવી છે.
નવી શિક્ષણ નીતિના નિર્ધારકોનું માનવું છે કે પ્રથમ આઠ વર્ષ દરમિયાન લોકબોલી કે માતૃભાષામાં શિક્ષણ આપવાથી વિદ્યાર્થીનો વિકાસ વધારે સારી રીતે થઈ શકે છે.
સંશોધનો એવું કહે છે કે
ત્રણથી અગિયાર વર્ષના બાળકો (એટલે કે ધોરણ પાંચ સુધીના)
માતૃભાષા કે લોકબોલીમાં શિક્ષણ મેળવે તો
તેઓ તેને વધારે સારી રીતે ગ્રહણ કરી શકે છે.
આમ થવાથી અભ્યાસમાં તેનો રસ જળવાઈ રહે છે અને
તે આગળના ઉચ્ચ અભ્યાસ માટે
ઉત્તમ રીતે તૈયાર થઈ શકે છે.
આઠ વર્ષથી અગિયાર વર્ષની (એટલે કે ધોરણ ત્રણથી પાંચ)વયજૂથમાં વિદ્યાર્થી અન્ય ભાષાઓ બહુ સરળતાથી શીખી શકે છે. આથી જ માતૃભાષા અને લોકબોલી ઉપરાંત અન્ય ભાષાઓ જેવી કે હિન્દી, અંગ્રેજી, સંસ્કૃતને પ્રાથમિક શિક્ષણના ત્રણ વર્ષ (ધોરણ ત્રણથી પાંચ)માં શીખવવામાં આવશે એવું નવી નીતિમાં નક્કી કરવામાં આવ્યું છે.
માધ્યમિક (Middle) શિક્ષણ (ધોરણ છથી આઠ)ના સ્ટેજમાં વિજ્ઞાન, ગણિત, સમાજશાસ્ત્ર અને આર્ટસના વિષયો માતૃભાષા અને લોકબોલીની સાથે સાથે અંગ્રેજીમાં પણ શીખવવામાં આવશે કે જેથી વિદ્યાર્થીઓ આગળના ઉચ્ચ અભ્યાસના સંદર્ભમાં જે તે વિષયમાં આવતી પરિભાષાને સમજી શકે. આવું થવાથી આગળનો ઉચ્ચ અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં કરવો હોય તો તેમાં વિદ્યાર્થીને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન આવે.
આના માટે દ્વિ-ભાષી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે જેમાં માતૃભાષા અને લોકબોલીની સાથે સાથે અંગ્રેજીમાં પણ જે તે પ્રકરણોની છણાવટ કરવામાં આવી હશે.
ઉચ્ચતર (High School) શિક્ષણ (ધોરણ નવથી બાર) જે વિદ્યાર્થીએ જે માધ્યમમાં લેવું હોય તે માધ્યમમાં લઈ શકશે. પ્રાંતિય ભાષા અથવા તો હિન્દી અથવા તો અંગ્રેજી માધ્યમમાં આ સ્ટેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી શકશે. વિદ્યાર્થી પોતે નક્કી કરશે કે તેને કયા માધ્યમમાં અભ્યાસ કરવો છે. ધોરણ નવથી બારના સ્ટેજમાં પાઠ્યપુસ્તકો જે તે માધ્યમમાં જ હશે. આ સ્ટેજમાં માધ્યમિક (Middle) શિક્ષણ (ધોરણ છથી આઠ)ના સ્ટેજની જેમ દ્વિ-ભાષી પાઠ્યપુસ્તકો નહીં હોય.
નવી શિક્ષણ નીતિ એકદમ સ્પષ્ટ છે કે ધોરણ પાંચ સુધી શિક્ષણ માતૃભાષા/લોકબોલી/પ્રાંતિય ભાષામાં જ આપવાનું છે. વિદ્યાર્થીને ધોરણ નવથી જે માધ્યમ (અંગ્રેજી/ગુજરાતી)માં અભ્યાસ કરવો હોય તે માધ્યમમાં અભ્યાસ કરી શકે એ રીતે તૈયાર કરવાનો ઉદ્દેશ્ય ધોરણ છથી આઠમાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો તૈયાર કરવા પાછળ રહેલો છે. ધોરણ નવથી વિદ્યાર્થી પોતાની રીતે સ્વતંત્ર રહે છે કે એને આગળ કયા માધ્યમમાં અભ્યાસ કરવાનો છે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત ૫+૩+૩+૪ એમ કુલ પંદર વર્ષના શાળા શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અને ધોરણ એકથી બે (કુલ પાંચ વર્ષ), ધોરણ ત્રણથી પાંચ (કુલ ત્રણ વર્ષ) અને ધોરણ પાંચથી આઠ (કુલ ત્રણ વર્ષ) – માટે અંગ્રેજી માધ્યમની શાળાઓ છે તે માટે આવનારા ભવિષ્ય માટે ગુજરાત સરકારની શું યોજના છે તે અંગે ગુજરાત સરકાર મૌન છે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ પાંચ સુધી ફરજિયાત અને ત્યારપછીના ત્રણ વર્ષ એટલે કે ધોરણ આઠ સુધી મરજિયાત રીતે વિદ્યાર્થીને તેની માતૃભાષા, લોકબોલી અથવા તો પ્રાંતિય ભાષામાં અભ્યાસ કરાવવાનો આવશે. માધ્યમની પસંદગી ધોરણ નવથી કરવાની આવે છે. નવી શિક્ષણ નીતિ અનુસાર ગુજરાતમાં આવેલી ધોરણ આઠ સુધીની અંગ્રેજી માધ્યમની બધી જ શાળાઓને ગુજરાતી માધ્યમમાં આવવું પડશે – આ અંગે પણ ગુજરાત સરકાર હજી મૌન છે.
શું વડાપ્રધાન પોતાના ગૃહરાજ્યમાં જ તેમના સ્વપ્નસમી નવી શિક્ષણ નીતિના ગુજરાત સરકાર દ્વારા ધજાગરા ઊડી રહ્યા છે તે અંગે ગુજરાત સરકારના જવાબદાર મંત્રીશ્રીઓ તથા અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરીને ગુજરાતમાં નવી શિક્ષણ નીતિને અમલમાં લાવવા માટે ગુજરાત સરકારને આદેશ અને સૂચના આપશે?? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ બાબતને ગંભીરતાથી લેશે??