રાજસ્થાનના વરિષ્ઠ ગુર્જર નેતા કિરોરી સિંહ બૈંસલાનું બુધવારે રાત્રે (30 માર્ચ) અવસાન થયું છે.
બૈંસલા ઘણા સમયથી બીમાર હતા અને બુધવારે રાત્રે જયપુરની મણિપાલ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અગાઉ તેઓને બે વખત કોરોના ચેપ પણ લાગ્યો હતો, ગતવર્ષે નવેમ્બર દરમિયાન તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી, જેના કારણે તેમને જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રાજસ્થાનમાં બૈંસલાનો એટલો દબદબો હતો કે તેમના એક ઈશારે સિસ્ટમ હલી જતી હતી.
તેઓના નેતૃત્વમાં ગુર્જરોએ 2007 દરમિયાન રાજસ્થાનમાં મોટું આંદોલન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે કિરોરી સિંહ બૈંસલા રાજસ્થાનમાં ગુર્જર આંદોલનનો મોટો ચહેરો હતા. જોકે બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2007 દરમિયાન, રાજસ્થાનમાં ગુર્જરો માટે અનામત મેળવવા માટે તેમના નેતૃત્વમાં એક મોટું આંદોલન થયું હતું. આ સિવાય બૈંસલા ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિના વડા પણ હતા.
તમને જણાવી દઈએ કે બૈંસલાનો જન્મ રાજસ્થાનના કરૌલી જિલ્લાના મુંડિયા ગામમાં થયો હતો. તેઓ ગુર્જર સમુદાયના હતા અને શિક્ષક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમના પિતા આર્મીમાં હતા, જેના કારણે તેઓ પણ સેનામાં જોડાયા અને રાજપૂતાના રાઈફલ્સના સૈનિક બન્યા. તેમણે 1962 દરમિયાન ભારત-ચીન યુદ્ધ અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરી બતાવી હતી. બેંસલાને તેમના વરિષ્ઠ લોકો ‘જીબ્રાલ્ટરનો ખડક’ અને તેમના જુનિયરો ‘ભારતીય રેમ્બો’ તરીકે બોલાવતા હતા.
સૈનિક તરીકે સૈન્યમાં સફર શરૂ કરનાર બૈંસલા કર્નલના પદ સુધી પહોંચી ગયા હતા.
ગુર્જર નેતા કિરોરી સિંહ બૈંસલાનું અવસાન થતા રાજસ્થાનમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.