વલસાડમાં ન્યૂઝ ચેનલમાં કામ કરતા મીડિયાકર્મી ઉપર હુમલો કરનારને નામદાર કોર્ટે 2 વર્ષની સજાનો આદેશ કર્યો છે.
વિગતો મુજબ વલસાડના હાલર કોળીવાડ ખાતે રહેતા અને ન્યૂઝ ચેનલમાં કેમેરામેન તરીકે નોકરી કરતા તરૂણ જયેશભાઇ નાયકા 2016માં હુમલો થયો હતો.
તેઓ તા. 17 મે 2016ના રોજ પોણાબાર વાગ્યાના સુમારે હાલર તળાવ પાસેથી પોતાની બાઇક ઉપર પસાર થઈ રહયા હતા તે દરમ્યાન હિતેશ જગદીશ રાઠોડ ઉ.27,રહે.શાકભાજી માર્કેટ, મનિષ એપાર્ટમેન્ટનાએ તેની સાથેના એક બીજા ઇસમ મોપેડ ઉપર આવી રસ્તામાં ઉભા રહી ગયા હતા.
હિતેશ કહ્યું હતું કે,હું વલસાડ સિટી પોલીસ સ્ટેશનમા દારૂ સાથે પકડાયેલો ત્યારે તેં મારૂું તથા મારી પોતાની ગાડીનું શુટિંગ કેમ લીધેલું તેમ જણાવી તરૂણને ધક્કો મારી ચાકૂ કાઢી જમણાં પગના સાથળના ભાગે ચાકૂથી હુમલો કર્યો હતો. ફરીથી મારા ફોટા લઇશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી આરોપીઓ ચાલી ગયા હતા.
બાદમાં ઇજાગ્રસ્ત તરૂણ નાયકને સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયો હતો.આ મામલે કેમેરામેન તરૂણ નાયકાએ વલસાડ સિટી પોલીસ મથકમાં હિતેશ જગદીશ રાઠોડ અને અન્ય એક અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. આ કેસ વલસાડ ચીફ જ્યુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતાં અંતિમ સુનાવાણીમાં એપીપી વિજય આર.સોલંકીની દલીલો ગ્રાહ્ય રાખી હિતેષ રાઠોડને 2 વર્ષની સાદી કેદ,રૂ.3 હજારનો દંડ,દંડ ન ભરે તો વધુ 1 માસની સજાનો હુકમ કર્યો હતો.
