સુરતમાં ભાજપ કાર્યાલય સામે AAP અને BJPના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી પ્રકરણમાં આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિત 16 સામે ઉધના પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો દાખલ થયા બાદ ઇટાલિયા લોકઅપમાં જોવા મળ્યા હતા.
આ ઘટનાને લઈ અરવિંદ કેજરીવાલે પોતાની પ્રતિક્રિયામાં ભાજપ સામે નિશાન તાકી જણાવ્યું કે આ લોકો દેશભરમાં ગુંડાગર્દી કરી રહ્યા છે. તમારાં બાળકોને શિક્ષા કે રોજગાર નહીં મળે. ભાજપને ગુંડા-લફંગા જ જોઈએ છે.
અત્રે નોંધનીય છે કે સુરત મનપાની મુખ્ય કચેરી પર ગત રવિવારે માર્શલો અને પોલીસ સાથે આમ આદમી પાર્ટીના નગર સેવકો વચ્ચે થયેલી બબાલમાં આમ આદમી પાર્ટીના નગર સેવકોને માર મારવામાં આવ્યો હતો. અને મહિલા નગર સેવકના કપડા પણ ફાડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિરોધ કરવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં ૧૫થી ૨૦ જેટલા કાર્યકરો અને આગેવાનો સોમવારે બપોરે ઉધના સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ફરી મારમારી થઇ ગઇ હતી જેમાં પોલીસે ગોપાલ ઇટાલિયા સહિત 16 સામે ઉધના પોલીસ મથકમાં રાયોટિંગનો ગુનો નોંધી અટકાયત કરી હતી.