વૈષ્ણોદેવી યાત્રા: ૩૪ શ્રદ્ધાળુઓના મોત બાદ તમામ બુકિંગ રદ, રિફંડ મળશે
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલી માતા વૈષ્ણોદેવીની યાત્રા છેલ્લા આઠ દિવસથી સ્થગિત છે. ગયા મંગળવારે અર્ધકુંવરી મંદિર પાસે વાદળ ફાટવા અને ભારે ભૂસ્ખલન થવાને કારણે આ દુર્ઘટના બની હતી, જેમાં ૩૪ શ્રદ્ધાળુઓના કરૂણ મોત થયા અને ૨૦ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ, યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કટરા અને ત્રિકુટા પહાડીઓ માં સતત ખરાબ હવામાન અને ભારે વરસાદ ચાલુ છે. જ્યાં સુધી હવામાન સુધરશે નહીં અને માર્ગ સલામત જાહેર નહીં થાય, ત્યાં સુધી યાત્રા ફરી શરૂ કરવામાં આવશે નહીં. યાત્રા ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય હવામાનની પરિસ્થિતિ પર આધારિત છે.
શ્રાઇન બોર્ડના મહત્વના નિર્ણયો
- શ્રાઈન બોર્ડે યાત્રા સ્થગિત થવાને કારણે રદ થયેલા તમામ બુકિંગનું સંપૂર્ણ રિફંડ આપવાનો નિર્ણય લીધો છે.
- હેલિકોપ્ટર સેવાઓ અને રહેવાની વ્યવસ્થા સહિતના તમામ બુકિંગ રદ કરવામાં આવ્યા છે.
- જેમણે સ્વૈચ્છિક રીતે પોતાના બુકિંગ રદ કર્યા છે, તેમને પણ આગામી ૧૫ દિવસમાં પૂરી રકમ પરત મળી જશે.
દુર્ઘટનાની તપાસ
આ દુર્ઘટનાની ગંભીરતાને જોતાં, ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ત્રણ સભ્યોની એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિનું નેતૃત્વ જળ શક્તિ વિભાગના અધિક મુખ્ય સચિવ શાલિન કાબરા કરશે. આ સમિતિ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરીને રિપોર્ટ રજૂ કરશે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. યાત્રા ફરી શરૂ થવાની તારીખ અંગેની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવશે, અને ત્યાં સુધી શ્રદ્ધાળુઓને ધૈર્ય રાખવા વિનંતી કરવામાં આવી છે.