‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ લોન્ચ: ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો
ભારતે સેમિકન્ડક્ટર ટેકનોલોજીના ક્ષેત્રમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (૨ સપ્ટેમ્બર) દિલ્હીમાં સેમીકોન ઈન્ડિયા ૨૦૨૫નું ઉદ્ઘાટન કર્યું, જ્યાં તેમને દેશમાં બનેલી પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ રજૂ કરવામાં આવી. આ ચિપ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને સેમિકન્ડક્ટર લેબ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે.
આ ઐતિહાસિક પ્રસંગે, કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા વડાપ્રધાનની દૂરંદેશી વિચારસરણી સાથે ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ શરૂ કરવામાં આવ્યું હતું. માત્ર સાડા ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં, ભારતે આ ક્ષેત્રમાં વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને આજે આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
First ‘Made in Bharat’ Chips! 🇮🇳 pic.twitter.com/QYFGA4HFLG
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025
મંત્રી વૈષ્ણવે વધુમાં કહ્યું કે, ભારતમાં હાલમાં પાંચ સેમિકન્ડક્ટર યુનિટ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વડાપ્રધાનને પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ સોંપવી એ આ સફરની એક મોટી સિદ્ધિ છે, જે દર્શાવે છે કે ભારત આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ ઉપલબ્ધિ સાથે, ભારતે વૈશ્વિક ટેકનોલોજીના નકશા પર પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.
આ પ્રસંગે, વડાપ્રધાને વિક્રમ ૩૨-બીટ પ્રોસેસર અને અન્ય ચાર મંજૂર પ્રોજેક્ટ્સની ટેસ્ટ ચિપ્સ પણ રજૂ કરી. આ પગલાં એ વાતનો પુરાવો છે કે ભારત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં એક મજબૂત ખેલાડી બનવા માટે તૈયાર છે. આત્મનિર્ભર ભારત મિશન હેઠળ, આ સિદ્ધિ દેશના ટેકનોલોજીકલ અને આર્થિક વિકાસ માટે એક મોટું બુસ્ટ સાબિત થશે.