વડોદરામાં આગામી 18મીએ પીએમ મોદીજી આવી રહયા છે ત્યારે તે માટેની તડામાર તૈયારીઓ ચાલુ થઈ છે અને સભામાં દરેક વોર્ડમાંથી 5 હજાર બહેનો- માતાઓને એકત્ર કરવા ટાર્ગેટ અપાયો હોવાની વાત વચ્ચે આ ટાર્ગેટ પૂર્ણ કરવા સંગઠન અને ચૂંટાયેલી પાંખના આગેવાનો દોડધામમાં પડયા છે.
વિગતો મુજબ આગામી 18મી તારીખે વડોદરા ખાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું આયોજન માટે સમય માગવા ગયેલા શહેરના સત્તાધીશોને વડાપ્રધાને વડોદરામાં મહિલા સંમેલન યોજવાની ઇચ્છા વ્યક્ત કરતા સભાસ્થળે કુલ જનમેદનીમાં અગાઉથી જ બે લાખ મહિલાઓને હાજર રાખવા સાથે આયોજન ની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં શહેરના દરેક વોર્ડમાંથી 5 હજાર બહેનોને સભા સ્થળ સુધી લાવવાની જવાબદારી ચૂંટાયેલી પાંખ અને સંગઠનના હોદ્દેદારોને સોંપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સ્થળ પર અંદાજે બે લાખ મહિલાઓ વડોદરા શહેર-જિલ્લા અને અન્ય જિલ્લાઓમાંથી એકત્ર થાય તેવી શક્યતા છે ત્યારે વડોદરા શહેરમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવનાર 40 હજાર ઉપરાંત બહેનોને આગળની હરોળમાં બેસાડવામાં આવશે જેથી વડાપ્રધાન તેમની સાથે સીધો સંવાદ કરી શકે.
કહેવાય છે કે વડાપ્રધાને વડોદરામાં મહિલા સંમેલન યોજવાની ઇચ્છા વ્યક્ત કરતા તા. 18 તારીખે બે લાખ મહિલાઓને હાજર રાખવાના ટાર્ગેટ સાથે ભાજપ દ્વારા આયોજન કરાયું છે. જેમાં શહેરના દરેક વોર્ડમાંથી 5 હજાર બહેનોને સભા સ્થળ સુધી લાવવાની જવાબદારી ચૂંટાયેલી પાંખ અને સંગઠનના હોદ્દેદારોને સોંપવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહયા છે.