પયગંબર મોહમ્મદ પર બીજેપી પ્રવક્તાઓની કથિત ટિપ્પણીને લઈને છેડાયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
ઘણા રાજ્યોમાં ‘જુમા ની નમાઝ’ના દિવસે હિંસક ઘટનાઓ સામે આવી છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ આ મામલે વડાપ્રધાન મોદીના મૌનને આકસ્મિક નહીં પણ સાર્થક ગણાવ્યું છે. તેઓ કહે છે કે, વડાપ્રધાન, ગૃહમંત્રી કે વિદેશ મંત્રીએ આવા ગંભીર મુદ્દા પર નિવેદન આપવું જોઈતું હતું. પૂર્વ રાજદ્વારી જે.કે.ત્રિપાઠીના મતે કેટલાક દેશો ‘પ્રચાર’નો ભાગ બની જાય છે. ચીનમાં વિગર મુસ્લિમો પર અત્યાચાર થાય છે તો પણ આરબ દેશો બોલતા નથી, પાકિસ્તાનમાં શિયા મુસ્લિમોને નિશાન બનાવવામાં આવે છે, તો પણ આ મુસ્લિમ દેશો મૌન રહે છે. VHPના કેન્દ્રીય કાર્યકારી પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે કહ્યું, “આજે જેહાદી મુસ્લિમ નેતૃત્વ જાણીજોઈને મુસ્લિમ સમુદાયને હિંસા અને અનીતિના માર્ગ પર લઈ જઈ રહ્યું છે. આવા તત્વો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યુ કે “વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને વિદેશ પ્રધાન, આ એવા લોકો છે જેઓ આવા ગંભીર મુદ્દા પર નિવેદનો આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આ વાતાવરણમાં વડાપ્રધાનના મૌનનો શું અર્થ છે. એટલે કે તેઓ તેનાથી અસહમત નથી, ઓછામાં ઓછું એટલું તો કહી શકાય. તેમણે કહ્યું, વિદેશ મંત્રીનું નિવેદન હજુ આવ્યું નથી કારણ કે તેમને પણ ક્યાંકથી મંજૂરી લેવી પડશે. એક પ્રશ્નના જવાબમાં અંસારીએ કહ્યું કે, એ વાત સાચી છે કે આરબ દેશો ચીનમાં વિગર મુસ્લિમો પર થઈ રહેલા કથિત અત્યાચારો પર મૌન છે. જ્યારે પાકિસ્તાનમાં શિયા મુસ્લિમો પર અત્યાચારના અહેવાલો આવે છે, ત્યારે ઇસ્લામિક દેશો મૌન સેવે છે. ભારતમાં પયગંબર પરની ટિપ્પણીના મામલે તેમણે કહ્યું કે, આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે, તે દેશો આના પર મૌન નથી રાખી શકતા.