મહંમદ પયગમ્બર ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ઉભી થયેલી અજંપાભરી સ્થિતિ વચ્ચે આણંદ જિલ્લાના બોરસદ ટાઉન માં મોડી રાત્રે કોમી તોફાનો ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.
મોડી રાત્રી દરમિયાન પથ્થરમારો અને છરીબાજી થતા ચાર નાગરિક અને એક પોલીસ જવાન સહિત કુલ પાંચ વ્યક્તિઓને તોફાનમાં ઇજાઓ થઈ છે. પોલીસે તોફાનો કાબુમાં લેવા ટીયરગેસ સેલ અને રબરની ગોળીઓ છોડી તોફાનીઓને વિખેરી નાખ્યા હતા. આ ઘટનામાં14 જેટલા ઈસમોની પોલીસે અટકાયત કરી છે. હાલ એસ.આર.પીની ટુકડીઓ સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વિગતો મુજબ બોરસદ શહેરમાં રાત્રિ દરમિયાન શહેરના બ્રાહ્મણવાળા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. રાત્રીના 1 વાગ્યાના અરસમાં શરૂ થયેલો પથ્થરમારો 2 કલાક જેટલો ચાલ્યો હતો. જ્યારે શ્રી હનુમાન મંદિર પાસે એક સ્થાનિક નાગરિક પર ચપ્પુ થી હુમલો થવા સાથે એક પોલીસ કર્મીને પેટમાં ચપ્પુ વાગતા ગંભીર ઇજા પહોંચી હતી આ સિવત ત્રણ નાગરિકોને પણ આ તોફાનોમાં ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રત પોલીસકર્મી હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બોરસદમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે. પોલીસ દ્વારા આ તોફાનને અંકુશમાં લેવા 50 જેટલા ટિયરગેસ છોડવામાં આવ્યા હતા. તેમજ 30 જેટલી રબર બુલેટનું પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ, તોફાની તત્વો દ્વારા શહેરના દેરાસર પાસે લગાવેલ CCTVને પણ નુકશાન કર્યું હતુ પોલીસે 14 જેટલા તોફાની તત્વોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.